મોરબી : ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈકમાં કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવામાં આવી છે જેને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા આ નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું છે. કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું કે, તાજેતરમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતના પહેલગામમાં હુમલો થયો અને અનેક લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ભારતના વીર જવાનો દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર થકી એર સ્ટ્રાઈક કરી અને ઇંટનો જવાબ પથ્થરથો આપવામાં આવ્યો હતો. આ ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈકમાં કર્નલ સોફિયા કુરેશી સહિત અનેક વીર જવાનોની મુખ્ય ભૂમિકા હતી. જેમને દેશના રક્ષણ કાજે પોતાની જાનની પરવાહ કર્યા વગર ઓપરેશન સિંદૂરને સફળ બનાવ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂરમાં મુખ્ય યોદ્ધા કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી દેશના વીર જવાનોનું અપમાન કર્યું છે. ભાજપ દ્વારા ઠેર ઠેર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. જે ભાજપની બેધારી નીતિ દર્શાવે છે. ભારત દેશના વીર જવાનોને બિરદાવવાના બદલે તેમના વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરનાર ભાજપના મંત્રી વિજયભાઈ શાહને હટાવવાના બદલે ત્રિરંગા યાત્રા કાઢવી કેટલા અંશે વ્યાજબી છે. માટે ભારત દેશના વીર જવાનો વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરનાર ભાજપના મંત્રી વિજય શાહના નિવેદનને અમારા દ્વારા વખોડી કાઢવામાં આવે છે.