નેહરૂ ગેઈટથી ગ્રીન ચોક સુધીમાં માત્ર બેથી ત્રણ ડોલ જ કચરો નીકળ્યો, ગલીઓમાં ગંદકી યથાવત રહેવા દેવાઈ મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે નેહરૂ ગેઈટથી ગ્રીન ચોક સુધીનો ચોખ્ખો ચણાક મેઈન રોડ સફાઈ ઝુંબેશ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં કચરો જ ન હોવાથી 10 જ મિનિટમાં ઝુંબેશ પૂર્ણ કરી સૌ કોઈ લોકો છુટા પડી ગયા હતા. શ્રમદાન ફોર મોરબી અન્વયે આજે મહાપાલિકા દ્વારા નેહરૂ ગેઈટથી ગ્રીનચોક ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અને ભાજપના આગેવાનો, 25થી વધુ સફાઈ કામદારો, પાલિકાનો 20થી વધુનો સ્ટાફ, 20થી વધુ વેપારીઓ સહિતના જોડાયા હતા. જો કે આ મેઈન રોડ પહેલેથી જ સફાઈ કરેલો હોવાથી ત્યાં માંડ 2થી 3 ડોલ જેટલો છૂટો છવાયો કચરો નીકળ્યો હતો. આ મેઈન રોડ ઉપર કચરો ન હોવાથી અંદાજે દશેક મિનિટમાં તો સફાઈ અભિયાન પૂર્ણ પણ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે 50થી વધુ લોકોને અહીં આવવા જવામાં જેટલો સમય લાગ્યો તેટલો સમય આ ઝુંબેશ ચાલી પણ ન હતી. આમ આજની ઝુંબેશમાં માનવ કલાકોનો વ્યય થયો હતો. બીજી તરફ ગલીઓમાં જે કચરો હતો તેને ઉઠાવવાની તસ્દી લેવામાં આવી ન હતી. હવે મહાપાલિકા સફાઈ ઝુંબેશ માટે સ્થળ પંસદગી યોગ્ય રીતે કરે તે જરૂરી છે.