મોરબી સિટી મામલતદાર કચેરીમાં આવક, નોન ક્રિમિલિયર, જાતિ અને EWSના દાખલા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓના ત્રણ- ત્રણ ધક્કા : હેરાન થતા અરજદારો ઉપર તંત્રએ દયા દાખવવાની જરૂરમોરબી : મોરબીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શાળાના પરિણામો જાહેર થયા બાદ વિવિધ દાખલાઓ કઢાવવા માટે સિટી મામલતદાર કચેરીએ અરજદારો હેરાન થઈ ગયા છે. વિદ્યાર્થીઓએ મહેનત કરી પરીક્ષામાં પાસ થયા છે હવે એક દાખલો કઢાવવા પણ પરીક્ષાથી વધુ મહેનત કરવી પડે તેવો ઘાટ સર્જાયો છે. મોરબી સિટી મામલતદાર કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવક, નોન ક્રિમિલિયર, જાતિ અને EWSના દાખલા માટે ઉમટી પડે છે. જો કે એક જ સીસ્ટમ ઉપલબ્ધ હોય લોકોને ત્રણ-ત્રણ ધક્કા ખાવા પડે છે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અહીં દાખલા માટે લોકોની લાંબી કતારો દરરોજ જોવા મળે છે. બપોરે 2 વાગ્યા સુધી દાખલાની કામગીરી ચાલે છે. ત્યા સુધીમાં અંદાજે 150 જેટલા લોકોના દાખલા નીકળે છે. બાકીના લોકોને પરત જવું પડે છે અને ફરી બીજા દિવસે કતારમાં લાગવુ પડે છે. તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાના અભાવે દાખલા માટે હાલ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે વહેલી તકે બેથી ત્રણ સીસ્ટમ મૂકી અરજદારોને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં હેરાન ન થવું પડે તેવી વ્યવસ્થા સિટી મામલતદાર તંત્ર દ્વારા ગોઠવવામાં આવે તે જરૂરી છે.