ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી, પતિ પણ ઘાયલવાંકાનેર : વાંકાનેર તાલુકાના થિકરિયાળા ગામે રહેતું દંપતી બાળકો સાથે સીએનજી રીક્ષામાં જઇ રહ્યું હતું ત્યારે વાંકાનેરના અમરનગર નજીક આઇસર ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જતાં રીક્ષામાં બેઠેલા મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રીક્ષા ચાલક પતિ તેમજ ત્રણ બાળકોને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના થિકરિયાળા ગામે રહેતા અને રીક્ષા ચલાવતા જગદીશભાઈ હમીરભાઈ બેડવા, તેમના પત્ની શોભનાબેન ઉર્ફે સેજલબેન જગદીશભાઈ બેડવા અને તેમના ત્રણ બાળકો રીક્ષામાં જતા હતા ત્યારે અજાણ્યા આઇસર ટ્રક ચાલકે અમરનગર ગામ નજીક રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ ગમખ્વાર અકસ્માતમાં જગદીશભાઈ તેમજ તેમના ત્રણ દીકરાને ઇજાઓ પહોંચી હતી. જ્યારે શોભનાબેન ઉર્ફે સેજલબેનનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ આઇસર ચાલક નાસી ગયો હતો.શોભનાબેનના મૃત્યુથી ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે જગદીશભાઈના ભાઈ હરેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.