દરરોજ 200થી વધુ લોકો આવે છે, માત્ર 100 ટોકન અપાઇ છે તેમાં પણ ઘણા લોકોનો વારો આવતો નથી : એક જ ઓપરેટર હોવાથી અરજદારોને ભારે હાલાકીહળવદ : તાજેતરમાં જ શાળાના પરિણામો જાહેર થયા બાદ વિવિધ દાખલા કઢાવવા માટે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અરજદારો હળવદ મામલતદાર કચેરીએ આવી રહ્યા છે પરંતુ અહીં માત્ર એક જ ઓપરેટર હોય જેના કારણે અરજદારો હેરાન થઈ રહ્યા છે.બીજી તરફ આખો દિવસ લાઈનમાં રહ્યા બાદ પણ સામાન્ય એક દાખલો પણ ન નીકળતા ઓપરેટર વધારવા અરજદારો માંગ કરી રહ્યા છે. હળવદ મામલતદાર કચેરી ખાતે દરરોજના અંદાજે 200 જેટલા અરજદારો આવક,નોન ક્રિમિનલ,જાતિ સહિતના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઉભા રહી જાય છે જેમાં વહેલા તે પહેલાના ધોરણે દરરોજ 100 ટોકન આપવામાં આવે છે જેના કારણે અડધોઅડ જ અરજદારો તો ટોકન લીધા વગર જ ઘરે પરત ફરે છે બીજી તરફ ટોકન લીધા બાદ પણ દાખલો કઢાવવા માટે વારો આવતો નથી.જેથી અરજદારોને હાલાકી ભોગવી પડે છે. વધુમાં અરજદારો જણાવી રહ્યા છે કે શાળાના પરિણામ આવ્યા બાદ તંત્રને ખબર જ છે કે વિદ્યાર્થીઓ વિવિધ દાખલા કઢાવવા માટે જન સુવિધા કેન્દ્ર પર આવશે પરંતુ તંત્રની આવડતનાં કારણે આગોતરું કોઈ આયોજન થતું નથી જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોની સાથે આવતા વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે થોડા દિવસ માટે કોમ્પ્યુટર ઓપરેટર વધારવામાં આવે તો અરજદારોની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે તેમ છે.