ગ્રામ પંચાયતને સતા ન હોવા છતાં તેની પાસેથી મંજૂરી લઈને 8 બ્લોકમાં 64 ફ્લેટનું નિર્માણ કરાયું હતું, મહાપાલિકાની ટીપી શાખાએ આખી પ્રોપર્ટી જ સિલ મારી દીધીમોરબી : મોરબીના શક્ત શનાળા - રવાપર વચ્ચે આવેલા સનાતન ગ્રામ નામના એપાર્ટમેન્ટને મહાપાલિકા દ્વારા સિલ મારી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતને સતા ન હોવા છતાં તેની પાસેથી મંજૂરી લઈને અહીં 8 બ્લોકમાં 64 ફ્લેટનું નિર્માણ કરાયું હતું. જેથી મહાપાલિકાની ટીપી શાખાએ આખી પ્રોપર્ટી જ સિલ મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અહીં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે જેમાં જણાવાયુ છે કે મોરબી મહાનગરપાલિકા હદમાં શકતશનાળા ગામના રે. સર્વે નં.૧૮૪ પૈકી ૨/ પૈકી ૧માં મહેશભાઈ ભોરણીયા તથા અન્યો મૂળ જમીન માલીક દ્વારા રજા ચિઠ્ઠી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરવાની કામગીરી ચાલુ છે. આ મિલ્કતને સિલ કરવામાં આવી છે. સિલ તોડવું કે સિલ કરેલ મિલકતમાં પ્રવેશ કરવો એ ગુનો બને છે. આ મામલે ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે શક્ત શનાળા ગામ નજીક ગ્રાઉન્ડ + 8 માળનું બિલ્ડીંગ જે મહાપાલિકામાં નવા ઉમેરાયેલ વિસ્તારમાં આવે છે. આ બિલ્ડીંગ માટે ગ્રામ પંચાયત તરફથી મંજૂરી મળી હતી. પણ ગ્રામ પંચાયતને ગ્રાઉન્ડ + 4 માળ સુધીની જ બિલ્ડીંગને મંજૂરી આપવાની સતા હોય છે. અમે બાંધકામ રોકાવા માટે અગાઉ નોટિસ આપી હતી. નોટીસનો અનાદર કરીને તેઓને બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી આ બિલ્ડીંગ સિલ કરવામાં આવી છે. હવે તેઓએ યોગ્ય પુરાવા મહાપાલિકા સમક્ષ રજુ કરવા પડશે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.