મીઠું પકવતા 1000 જેટલા અગરિયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો : નુકસાનીનું વળતર આપવાની માંગહળવદ : તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ અને દરિયાના આવેલ પાણીથી કચ્છના નાના રણમાં અગરીયાઓને ભારે નુકસાની થઈ છે. આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. આ સાથે અગરિયાઓને નુકસાનીનું વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ ચંદુભાઇ શિહોરા સાથે અગરિયાઓએ રૂબરૂ મુલાકાત કરી હતી. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ અને દરિયામાંથી આવેલ પાણીને લીધે અગરિયાઓને થયેલ મીઠાની નુકશાનીના વળતર માટે વાત કરી હતી. મુખ્યમંત્રીએ ગંભીરતાથી વાત સાંભળી અને બને એટલું જલ્દી વળતર મળે એવો હકારાત્મક જવાબ આપ્યો હતો. આ સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, ઘનશ્યામભાઈ ગોહિલ સાથે આગેવાનો પણ હાજર રહ્યા હતા.ધર્મેન્દ્રભાઈ પટેલે રજુઆતમાં જણાવ્યું હતું કે , અગરીયાઓ કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠુ પકવીએ છીએ. તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ અને દરિયાનું પાણી આવી ગયેલ હોવાથી ટીકર, માનગઢ, અજીતગઢ, મીયાણી, ખોડ, જોગડ અને કીડી ગામોના આશરે ૧૦૦૦ અગરીયાઓના પાકેલા મીઠાનું ધોવાણ થઈ ગયેલ છે. અગરીયાઓ આઠ મહિના તનરોડ મહેનત કરી મીઠુ પકવે છે ત્યારે પરિવાનનું ગુજરાન ચાલતુ હોય છે. તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે દરિયાનું પાણી પણ ટીકર રણમાં પહોંચ્યું છે. તેથી અગરિયાઓ પાળા વાળીને મૂકેલા મીઠાના ઢગલા પાણીથી ગરકાવ થયા છે. તેના લીધે અગરીયાઓના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. આથી પરંપરાગત અગરીયાઓને વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીનું વળતર મળે તેવી માંગ છે.