સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ છતાં પણ ગતરાત્રી અને વહેલી સવારે આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં કુતુહલમોરબી : મોરબીમાં સામાકાંઠે આકાશમાં ડ્રોન જેવી વસ્તુ ઉડતા દેખાઈ હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ જિલ્લામાં ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ છે છતાં પણ ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં ગત રાત્રીના 9થી 12 વાગ્યા સુધી આકાશમાં ડ્રોન જેવી વસ્તુ ઊડતી દેખાય હતી. અમુક સ્થાનિકોએ આ ઘટનાને વીડિયોમાં પણ કેદ કરી છે. બીજી તરફ આજે વહેલી સવારે પણ અમુક વિસ્તારોમાં ડ્રોન જેવી જ વસ્તુ ઉડતી દેખાય હતી. જેને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું છે. તાજેતરમાં યુદ્ધની પરિસ્થિતિને પગલે જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાવવા ઉપર તા.15 સુધી પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ દરમિયાન ડ્રોન જેવી વસ્તુ ઊડતી દેખાય હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ ઘટના અંગે બી ડિવિઝન પીઆઇ એન.એ. વસાવાએ જણાવ્યું કે આ ડ્રોન છે કે અન્ય વસ્તુ છે તે અંગેની તપાસ હાલ ચાલુ છે.