5 મકાન અને એક વિસામાને તોડી પડાયા : અંદાજે 22 લોકો 1955થી આ ઇમારતોમાં વસવાટ કરી રહ્યા હતા : બીજી અનેક જર્જરિત ઇમારતોને નોટિસ અપાઈ ગઈ છે, તેની સામે પણ કાર્યવાહી હાથ ધરાશેમોરબી : મોરબીમાં બે અઠવાડિયાના વિરામ બાદ આજે ફરી બુધવારે મહાપાલિકા દ્વારા ડીમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે ખાખરેચી દરવાજા પાસે આવેલ જર્જરિત 5 મકાન અને એક વિસામાને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે. વધુમાં હજુ પણ અનેક જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી તોળાઈ રહી છે.અહીં રહેતા પરિવારે કહ્યું કે તેમના દાદા સ્ટેટમાં નોકરી કરતા હતા. ત્યારે અહીં સૂરજ કુંવરબાનો વિસામો હતો. તેઓના દાદા અહીં પગી પણું કરતા હતા. એક જ કુંટુંબના 6 પરિવારો અહીં રહેતા હતા. જેમાં 22 જેટલા સભ્યો છે. તેઓ 1955થી આ ઇમારતમાં રહેતા હતા. જો કે તેઓએ સ્વીકાર્યું છે કે તેઓ પાસે આ ઇમારતના કોઈ જરૂરી કાગળ કે લખાણ નથી. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ચોમાસાની સિઝન નજીક છે.જર્જરીત મકાનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મકાનોમાં લોકો વસવાટ કરતા નથી. તેને તત્કાલિન અસરથી દૂર કરી રહ્યા છીએ. આવા 4થી 5 બાંધકામો છે જે અમારા ધ્યાને આવ્યા છે. જે ઇમારતમાં લોકો વસવાટ કરે છે તેને અમે નોટિસ આપી રહ્યા છીએ. અને ખાલી કરવાની સૂચના આપીએ છીએ. આવા લોકોને શિફ્ટિંગ કરવા અપીલ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આજે જેનું ડીમોલેશન કરવામાં આવ્યું છે તે ઇમારત માલિકીની નથી. તેમના માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવી નથી. ચોમાસામાં કોઈ નુકસાન ન થાય તે માટે જાહેર હિતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આવા અનેક જર્જરિત મકાનોને નોટીસ આપવાના છીએ. જો સહકાર ન મળે તો વીજ કનેક્શન, પાણી કનેક્શન કાપી નાખવાની પણ મહાપાલિકાને સતા છે. ખાખરેચી દરવાજા હેરિટેજ જગ્યા છે. અહીં સારી જગ્યા ડેવલોપમેન્ટ થાય તેવા પગલાં લેવાશે.