અમે ડ્રોન, મિસાઈલ કે આધુનિક સાધનો વગર સામસામી લડાઈ લડ્યા છીએ, ત્યારે યુદ્ધ જીતીને પાકિસ્તાનના બે ટુંકડા કરી નાખ્યા હતામોરબી : હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિમાં પણ દુશ્મન દેશના ઉંબાડીયા ચાલુ છે ત્યારે એરફોર્સમાં ઈજનેર તરીકે ફરજ બજાવનાર મોરબીના વતની નિવૃત ફૌજી જવાન સુરેન્દ્રભાઈ બારેજીયાએ હવે પાકિસ્તાનના ચાર ટુકડા થશે તેવી ભવિષ્યવાણી કરી 1971ના બાંગ્લાદેશ યુદ્ધ સમયની યાદો તાજી કરવાની સાથે પોતે બાંગ્લાદેશના ઢાંકામાં યુદ્ધ મોરચે સતત 16 દિવસ ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.મોરબીના વતની અને એરફોર્સમાં ઈજનેર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા સુરેન્દ્રભાઈ બારેજીયા આજે 80 વર્ષની વયે પહોંચ્યા હોવા છતાં યુવાનોને શરમાવે તેવો જોમ જુસ્સો ધરાવે છે. વર્તમાન સ્થિતિ અંગે વાત કરતા તેઓ કહે છે કે, આજે ડ્રોન, મિસાઈલ, રાફેલ, મીરાજ જેવા આધુનિક શસ્ત્ર સરંજામ આવી ગયા હોય અત્યારના યુદ્ધ અમારા સમયના યુઘ્ધથી અલગ છે. તેઓ 1971ના બાંગ્લાદેશ યુદ્ધની યાદો તાજી કરતા જણાવે છે કે, 1971ના યુદ્ધ સમયે તેમને ઢાકા ખાતે ફરજ સોંપવામાં આવી હતી. એ સમયે આધુનિક ટેકનોલોજી ન હતી. સંદેશા વ્યવહાર માટે આજના સમય જેવા ઉપકરણો ન હતા માત્ર વોકિટોકી જેવા સાધનો વચ્ચે દુશ્મન સામે સામી છાતીએ લડવાનું હતું. એ સમયે તેઓ એરફોર્સના ઈજનેર તરીકે સતત 16 દિવસ સુધી બાંગ્લાદેશમાં યુદ્ધભૂમિ ઉપર રહી લડાઈમાં ભાગ લીધો હતો.વધુમાં તેઓ ઉમેરે છે કે, આજની લડાઈ અલગ છે ટેકનોલોજીની મદદથી આજે ડ્રોન, મિસાઈલ, આધુનિક રાફેલ અને મીરાજ જેવા યુદ્ધ વિમાનોથી લડાઈ લડવામાં આવી રહી છે. અમારા સમયે મિગ અને સુખોઈ ફાઈટર જેટથી લડાઈ લડવામાં આવી હતી. જો કે, બાંગ્લાદેશ યુદ્ધમાં માત્ર 16 જ દિવસમાં યુદ્ધ જીતી પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યાંનું ગર્વ ભેર જણાવી તેઓ ઉમેરે છે કે, હજુ પાકિસ્તાનના ચાર ટુકડા થશે અને જન ગણ મનની પંક્તિ પંજાબ, સિંધ, ગુજરાત મરાઠા સાચા અર્થમાં સાર્થક થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી.સુરેન્દ્રભાઈ વધુમાં ઉમેરે છે કે, 1971મા યુદ્ધ સમયે ગુજરાતમાંથી 36 એરફોર્સના જવાનોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. તેઓએ એરફોર્સની ફરજ દરમિયાન જમ્મુ કાશ્મીર, પંજાબ સહિત દેશભરમાં સ્થળોએ ફરજ બજાવી હોવાનું અને સુખોઈ, મિગ જેવા ફાઈટર જેટની ટેક્નિકલ કામગીરી કરતા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેઓ બાંગ્લાદેશમાં લડાઈ પૂર્ણ થયા બાદ અઢી વર્ષ રજામાં ઘેર આવ્યા હોવા સહિતની યાદો તાજી કરી હતી.અમારા સમયમાં સવારે છાપું આવે ત્યારે યુદ્ધના સમાચાર મળતાઆજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઈન્ટરનેટના યુગમાં મોબાઈલ મારફતે લોકોને યુદ્ધ સંબંધી માહિતી પળવારમા મળી રહી છે ત્યારે 1965 કે 1971ના યુદ્ધ સમયની યાદ તાજી કરતા સુરેન્દ્રભાઈ બારેજીયા જણાવે છે કે, એ સમયે એક જ છાપું પ્રસિદ્ધ થતું અને બીજા દિવસે છાપામાં વાંચે ત્યારે લોકોને ખબર પડતી કે યુદ્ઘમાં શુ થઈ રહ્યું છે. સાથે જ તેઓએ વર્ષ 1965થી 1975 દરમિયાન દેશમાં યુદ્ધની સ્થિતિમાં ફૌજી જવાનોને રજા કે રિટાયરમેન્ટ ન મળતું હોવાનું તેમજ સેનામાંથી નિવૃત થયા બાદ પણ બે વર્ષ માટે રિઝર્વ સર્વિસ ગણવામાં આવતા હોવાનું જણાવી સેનાનો હુકમ થાય એટલે 24 કલાકમાં હાજર થવું પડતું હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.