ટ્રક પકડવા 40 જવાનોની રાતભર દોડધામ : ટ્રક કબ્જે લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈમોરબી : મોરબી નજીક PSIને હડફેટે લઈ મોત નિપજાવનાર ટ્રકચાલકને પકડવા મોરબી પોલીસના 40 જેટલા જવાનોએ આખી રાત દોડધામ કરી હતી. જો કે ટ્રક ગાળા નજીકથી રેઢો મળી આવતા પોલીસે કબ્જે કરી ફરાર ટ્રક ચાલકને શોધવા કવાયત હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.આર.જાડેજા ગત રાત્રે હેડક્વાર્ટર ખાતે ફરજ પૂર્ણ કરી એક્ટિવા લઈને મોરબી આવી રહ્યા હતા. ત્યારે જાંબુડિયા બ્રિજ પર કોઈ અજાણ્યા ટ્રકે પાછળની ઠોકર મારી હતી. તેઓ દીવાલ સાથે અથડાઇ ટ્રક નીચે આવી ગયા હતા. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ બાદ રાત્રે પોલીસના 40 જેટલા જવાનોએ ટ્રક ચાલકને શોધવા તપાસ હાથ ધરી હતી. બાદમાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર ગાળા નજીકથી ટ્રક રેઢો મળી આવ્યો હતો. આ ટ્રક કબ્જે કરવામાં આવ્યો છે. જો કે ટ્રક ચાલક હજુ મળી આવ્યો ન હોય, ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.