વ્યવસ્થાપક (સંચાલક), રસોયા અને મદદનીશની પોસ્ટ માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી ટંકારા દ્વારા ઉમેદવારોની અરજી મંગાવાઈ ટંકારા : ટંકારા તાલુકામાં વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે પી. એમ. પોષણ યોજના કેન્દ્રમાં વ્યવસ્થાપક (સંચાલક), રસોયા અને મદદનીશની સરકારે નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુક્તિ કરવાની છે. જે માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી ટંકારા દ્વારા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી છે. આ માટે ઉમેદવારે એસ.એસ.સી પાસ અથવા તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. વ્યવસ્થાપક, રસોયા અને મદદનીશ માટે ઉમેદવારની ઉમર 20 વર્ષ તેમજ 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટબીલ), આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેન્ક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે. તથા અરજી ફોર્મમાં ફોટો અને અરજદારનો ફોન નંબર લખવાનો રહેશે. આ અંગેની અરજી નિયત નમૂનામાં સંપૂર્ણ વિગતો સાથે મામલતદાર ટંકારા તાલુકા, મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી ટંકારા ખાતે તા. 21-5-2025 સુધીમાં કચેરી સમય સુધી પહોંચે તે રીતે રજૂ કરવાની રહેશે. જે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તે ઉમેદવારોએ પોતાના અભ્યાસ અને ઉંમરના અસલ આધાર સાથે સમયસર સ્થળ પર સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.