અનેક વખત રજુઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન મોરબી : મોરબીમાં ઉનાળામાં પાણીની તંગી સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનેક વિસ્તારોમાં વારંવાર લોકોમાં પાણીની ફરિયાદ જોવા મળતી હોય છે. ત્યારે હાલ શહેરના ઋષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર પણ આંખ આડા કાન કરીને બેઠી હોઈ તેમ દેખાઈ રહ્યું છે. મહત્વનું છે કે, મોરબીમાં આવેલા ઋષભ પાર્ક સોસાયટીમાં ભર ઉનાળે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા કમિશનરને વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. સોસાયટીની મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રેલી સ્વરૂપે બેઠક પણ કરી હતી પરંતુ કોઇ નિરાકરણ ન આવ્યું. મોટી વાત તો એ કે મહાનગરપાલિકા કચેરી દ્વારા પંચાસર રોડથી ૠષભપાર્કમાં પાણી સપ્લાય માટે સ્પેશિયલ 4 ઇંચની લાઇન નાખેલ છે. પરંતુ આજ સુધી આ લાઇનમાં એક ટીપું પાણી આવેલ નથી અને પાણી સપ્લાય વિભાગના અધિકારીને આ બાબતે જણાવ્યું પણ હતું કે, પાણીની લાઇન નાની પડે છે. સોસાયટીના લોકોએ તો નથી નાખી આવી મજાક કરીને લોકોને ખુબજ હેરાન ગતિ થઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા શું મહાનગરપાલિકા તંત્ર સાવ નકટુ થઈ ગયું છે ? શું મહાનગરપાલિકા લોકોની મજબૂરી નહીં સમજે ? તેવા પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.