મોરબી : ગઈકાલે તારીખ 8 મેના રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લો 88.78 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે રહ્યો હતો. મોરબી જિલ્લાની વિવિધ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પરિણામમાં ડંકો વગાડ્યો છે.______________________ટંકારાના વાઘગઢની વિદ્યાર્થિનીએ 99.98 પીઆર મેળવ્યાટંકારા તાલુકાના વાઘગઢના એડવોકેટ & નોટરી મુકેશભાઈ બારૈયાની રાજકોટ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી રીયા મુકેશભાઈ બારૈયાએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 99.98 પી.આર. સાથે પ્રથમ ક્રમાંક મેળવી ટંકારા તાલુકામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ ટંકારા તાલુકા તથા વાઘગઢ ગામનું ગૌરવ વધાર્યું છે. રીયા બારૈયાએ હવે ધોરણ 11-12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલેખ્ખનીય છે કે, બારૈયા પરિવારની દીકરી રીયાએ સાયન્સ, સંસ્કૃત અને બેઝીક ગણીત વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવી ત્રણેય વિષયમાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરી સારું પરીણામ મેળવી વાઘગઢ ગામ તથા બારૈયા પરિવારનું ગૌરવ વધાર્યું છે.______________________લજાઈની દેવદયા માધ્યમિક શાળા-લજાઈનું ઝળહળતું પરિણામટંકારા તાલુકાની લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળાનું SSC-2025નું 86.20% ઝળહળતું પરિણામ આવતા શાળા પરિવારના તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને શાળા મંડળ તેમજ ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી છે. લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળા ગ્રાન્ટેડ શાળા હોવાથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ઉપરાંત અનુભવી સ્ટાફ છે. કોઈ પણ ટ્યુશન કે બીજા અન્ય ખર્ચાઓ વિદ્યાર્થીઓને કરવા પડતા નથી. આ ઉપરાંત સ્માર્ટ બોર્ડ , વિશાળ ગ્રાઉન્ડ, 250થી વધુ વૃક્ષો , વિવિધ પ્રવૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત-ગમત, એકમ કસોટી તેમજ સરકારની બધીજ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને મળે છે. આથી આ શાળામાં આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં એડમીશન લઈ શિક્ષણ મેળવી રહ્યા છે.______________________માળિયાના મેઘપરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ધો. 10 અને 12નું 100 ટકા પરિણામમોરબી-માળિયા પુનઃરૂત્થાન સમિતિ સંચાલિત મેઘપર સ્થિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ હાંસલ કરીને જિલ્લામાં ડંકો વગાડી દીધો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 અને 12નું શાળાનું 100 ટકા ઝળહળતું પરિણામ આવ્યું છે.મેઘપર ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો, શાળાના બે વિદ્યાર્થી વિવેક ડાંગર 99.06 પીઆર અને આરતી પરમાર 97.02 પીઆર સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે સ્નેહા ગડેસિયાએ 91.99 પીઆર, ધારા કરોત્રાએ 90.87 પીઆર અને મનિષા મેવાડાએ 90.07 પીઆર મેળવ્યા છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં શાળાની વિદ્યાર્થિની મનિષા રાઠોડે 99.63 પીઆર સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત કૌશિક રાઠોડે 98.43 પીઆર, પ્રિન્સી ગડેસિયાએ 98.03 પીઆર, રિતેષ બોરિચાએ 97.94 પીઆર, સ્નેહા અવાડિયાએ 98.64 પીઆર, નિધિ રાઠોડે 95.86 પીઆર, અવની ડાંગરે 93.83 પીઆર, પ્રવિણ રાઠોડે 92.28 પીઆર, ભાવના લોલાડિયાએ 91.72 પીઆર અને નમસ્વી કાનગડે 88.68 પીઆર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. આ ઝળહળતું પરિણામ લાવવા બદલ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને આચાર્ય સી.એન. ડાગરે અભિનંદન પાઠવ્યા છે.