અગાઉ ભૂગર્ભ ગટરના કામ વેળાએ ખોદકામ કરી આડેધડ માટી નખાય હતી, તેવામાં વરસાદ પડતાં કિચડનું સામ્રાજ્ય ફેલાયું હતું : સમસ્યાથી કંટાળેલા વેપારીઓએ જાતે જ કામ કરાવી લીધુંમોરબી : મોરબીનો ઔદ્યોગિક હબ ગણાતો એવો લાતી પ્લોટ વિસ્તાર સમસ્યાઓનું પણ હબ છે. અહીં વર્ષોથી વેપારીઓ પાયાની સવલતો માટે પણ વલખા મારી રહ્યા છે. તેવામાં કીચડ અને બિસ્માર રસ્તાથી કંટાળેલા લાતી પ્લોટ-3ના વેપારીઓએ જાતે જ સ્વ ખર્ચે રોડ સમતળ કરાવવાનું કામ શરૂ કર્યું છે.અહીંના વેપારી મહેશભાઈએ જણાવ્યું કે અહીં લાતી પ્લોટમાં અગાઉ ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કામ પૂર્ણ થયે અમે રોડનું કામ કરીશું. પણ રોડનું કોઈ કામ કરવામાં આવ્યું નથી. અગાઉ અનેકવાર રજુઆત કરાઈ હતી. વરસાદ પડતાં અહીં ચાલી ન શકાય તે પ્રકારે કીચડ ફેલાયું હતું. ઉપરાંત આડેધડ માટી પડી હતી. જેથી અમે વેપારીઓએ સ્વ ખર્ચે રોડને સમતળ બનાવી કીચડ ન રહે તે કામ શરૂ કરાવ્યું છે. વેપારી મિલાપભાઈએ જણાવ્યું કે અહીં રીક્ષા કે મોટા વાહન પણ ચાલી શકે નહીં તેવી પરિસ્થિતિ હતી. મહાપાલિકા સમક્ષ એવી માંગ હતી કે રોડનું કામ ભલે પછી કરે પણ લેવલ તો કરી આપે. અહીં ખાડા ટેકરાની જેમ માટી પડી હતી. અમારા વેપાર ધંધા ચાલુ રહે તે માટે આ કામચલાઉ રીતે રોડનું કામ કરી રહ્યા છીએ.