પોલીસ આરોપીને અમદાવાદથી પકડી લઈ મોરબી લઈ આવી, કોર્ટે આરોપીના તા.14 સુધીના રિમાન્ડ મંજુર કર્યામોરબી : મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનની હત્યા કરનાર આરોપીને પોલીસ અમદાવાદ બસ સ્ટેન્ડમાંથી પકડી લઈ મોરબી લઈ આવી છે. પ્રાથમિક તપાસમાં આ આરોપીએ 6 મહિના પહેલા થયેલા અકસ્માતનું મનદુઃખ રાખીને હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ આરોપીના તા.14 સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.મોરબીના ખાખરાળા ગામે રહેતા કિશન કરોતરા નામના 22 વર્ષીય રબારી યુવાનની ગત તા.30ના રોજ રાત્રીના સમયે હત્યા થઈ હતી. મુળુભાઈ ઉફે સાગર આયદનભાઈ ડાંગર ઉ.વ.33 નામના શખ્સે પ્રથમ મૃતક યુવાન સામે બંદુક તાકી બંદુક વડે ફાયર કરતા બંદુકથી ફાયર થયેલ નહી. જેથી ધારદાર છરી વડે છાતીના ભાગે તથા વાસાના ભાગે જમણા ખંભાના ભાગે તથા કાંડાના ભાગે તથા જમણા હાથના પોંચાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પોહચાડી હતી. જેના કારણે યુવાનનું મોત થતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે વિગતો આપતા ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું કે આરોપી મુળુભાઈ ઉફે સાગર આયદનભાઈ ડાંગરને અમદાવાદમાં ગીતા મંદીર બસ સ્ટેશન ખાતેથી પકડી લઈ મોરબી લઈ આવવામાં આવ્યો છે. આ આરોપીને મૃતક યુવાન સાથે 6 મહિના પૂર્વે બાઇક અકસ્માત થયો હતો. જેની બોલાચાલીનો ખાર રાખીને આ હત્યા થઈ હોવાનું હાલ જણાઈ રહ્યું છે. રિમાન્ડની માંગ સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા.14 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે.