મોરબી : પાયાની સુવિધાઓથી વંચિત એવા મોરબીના લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાકા રોડ રસ્તા, ભુગર્ભ ગટર, શુદ્ધ પીવાનું પાણી, સફાઈ સહિતની સુવિધાઓ પૂરી પાડવા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.લાયન્સનગરના રહીશોએ કમિશનરને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં એસસી, ઓબીસી અને લઘુમતિ જાતિઓ વસે છે. જે આર્થિક રીતે પણ ખૂબ પછાત છે. તેઓને આજદિન સુધી કોઈક ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત થઈ નથી. હંમેશા આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરાયું છે. હાલ લાયન્સ સ્કૂલથી સતનામ એપાર્ટમેન્ટ સુધીના રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. જેનું યોગ્ય પૂરાણ કરાવી આપવામાં આવે જેથી બાળકોને સ્કૂલે જવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મુખ્ય રોડ સીસી રોડ નથી તે તાત્કાલિક બનાવી આપવામાં આવે, ભુગર્ભ ગટર વ્યવસ્થિત કરવામાં આવે. આ ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.