હળવદ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજુઆતહળવદ : તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે અગરિયાઓને થયેલ નુક્સાનીનું વળતર આપવા બાબતે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ એલ. કણઝરીયા દ્વારા 64-ધ્રાંગધ્રા-હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અગરિયાઓ કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવે છે. તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ અને દરિયાઇ પાણી આવી જતા આ બેય પાણી ભેગા થતા અગરિયાઓ દ્વારા પાળા વાળીને મુકેલા મીઠાના ઢગલા પાણીમાં ગરકાવ થયેલ છે. જેમાં ટીકર રણમાં લગભગ 400 જેટલા અગરિયાઓનું પકવેલ મીઠાનું ધોવાણ થઈ ગયેલ છે. જે અગરિયાઓની આઠ મહિનાની તનતોડ મહેનતનું પરિણામ હતું. અને તેમનું ગુજરાન ચલાવવામાં એકમાત્ર સાધન પણ આવી રીતે અગરિયાઓના મોઢે સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં અગરિયાઓને થયેલા નુકસાનીનું યોગ્ય વળતર મળે તે અન્વયે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.