મોરબી : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા.જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે સઘન વોચ રાખી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે. ઉપરાંત આર્મી-સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.