રિઝર્વ વોર્ડમાં 10 બેડ રખાયા, રેપીડ રિસ્પોન્સ ટીમની રચના, રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે : ઠેક-ઠેકાણે રક્તદાન કેમ્પ થકી બ્લડ એકત્ર કરવાનું શરૂ : એમ્બ્યુલન્સ પણ સજ્જ રખાયમોરબી : ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સરહદ નજીકના જિલ્લાઓ એલર્ટ મોડ ઉપર છે. ઇમરજન્સી સ્થિતીને પહોંચી વળવા આરોગ્ય સેવા સઘન બનાવવામાં આવી છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં એક વોર્ડ રિઝર્વ રાખી દેવામાં આવ્યો હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું છે. મોરબી સિવિલ અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં 10 બેડનો એક વોર્ડ ઉભો કરવામા આવ્યો છે. જે ઇમરજન્સી માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. રેપીડ રિસ્પોન્સ ટિમ બનાવવામાં આવી છે. જે રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવા માટે ડ્યુટી ઉપર રહેશે. આ ઉપરાંત ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં અને હળવદમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજે મેડિકલ કોલેજ ખાતે અને સો ઓરડીમાં કેમ્પ રાખવામાં આવ્યો છે.સોમવારે વાંકાનેરમાં કેમ્પ રાખવામાં આવશે. આમ ઠેક-ઠેકાણે રક્તદાન કેમ્પ યોજી બ્લડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ બ્લડ આપણે ઇમરજન્સીમાં જરૂર પડે તો કામ આવશે. ઉપરાંત અન્ય જગ્યાએ જરૂર પડયે મોકલવામાં આવશે. વધુમાં અધિક્ષકે જણાવ્યું કે 108 સાથે મિટિંગ કરવામાં આવી છે. હાલ 4 એમ્બ્યુલન્સ સેવામાં છે. એક આઇસીયું ઓન વ્હિલ્સ રિઝર્વ રાખવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના 126 તબીબોએ સહમતી આપી છે કે જો કોઈ ઇમરજન્સી ઉભી થશે તો તેઓ સેવા આપશે.