સૌથી વધુ વેરો ભરતા લાતી પ્લોટ વિસ્તારમાં માત્ર થોડા જ વરસાદે કીચડનું એવું સામ્રાજ્ય કે ત્યાંથી નીકળવું મુશ્કેલ, ધંધાને પણ અસર થતા વેપારીઓમાં ભારે રોષમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા પાણી ઢોળતા, ગંદકી કરતા વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જે સરાહનીય છે પણ જ્યારે કોઈ મહાપાલિકાની શાખા કે કોન્ટ્રાકટર બરાબર કામ ન કરતા હોય ત્યારે દંડનીય કાર્યવાહી કેમ થતી નથી ? આવો પ્રશ્ન લાતી પ્લોટના વેપારીઓએ ઉઠાવ્યો છે. અહીં શેરી નંબર 2માં માત્ર થોડા વરસાદને કારણે જ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. વેપારીઓ કહી રહ્યા છે કે દંડમાં સુરા એવા મહાપાલિકાના અધિકારીઓ માત્ર અહીંથી ચાલીને બતાવે તો અમે માનીએ. અહીંના વેપારી પ્રફુલ્લભાઈએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી આ જ સમસ્યા છે. કોઈ અધિકારી અહીં ચકર મારવા આવ્યા નથી. લાતી પ્લોટ સૌથી વધુ વેરો ભરે છે છતા ઉપેક્ષા થઈ રહી છે. વેરો ઉઘરાવો છો તો સુવિધા આપો. ભૂગર્ભ ગટરની લાઈન નાખવા તાજેતરમાં જે કામ કરવામાં આવ્યું હતું. તેમાં ખાડા ખોદવામાં આવ્યા હતા. દુકાનોના શટર ખુલે તેમ નથી એવી રીતે ધૂળના ઢગલા કરવામાં આવ્યા છે. મોટા ઉદ્યોગો વાળા અહીંથી બહાર નીકળી ગયા છે. હવે નાના ઉદ્યોગો જ બચ્યા છે. દંડ ઉઘરાવે છે તો આનો દંડ કોને અપાશે ? બધા અધિકારી મોટી વાતો કરે છે પણ હકીકત આ છે. હજી લાતી પ્લોટમાં કોઈ સુવિધા નથી. 4થી 5 વખત રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પણ હજી રોડના કામ થયા નથી. અન્ય વેપારીઓએ જણાવ્યું કે જેટલું સહન કરીએ છીએ એટલી અસુવિધાઓ વધતી જાય છે. ગટરની લાઈન નાખતા હતા ત્યારે વાતો થતી હતી કે રોડનું કામ કરાશે પણ એવું કંઈ થયું નથી. ગટર નાખતા હતા ત્યારે ધૂળના ઢગલા એમનમ રાખી દીધા છે. સામાન્ય વરસાદમાં આવી દશા થઈ છે તો ચોમાસામાં શુ થશે. ગ્રાહકને અમારે એમ કહેવું પડે છે કે તમે શનાળા રોડ ઉપર ઉભા રહો અમે ત્યાં માલ લઈને આવીએ. આમ ગ્રાહકો અહીં આવીને હેરાન ન થાય એટલે અમારે બારોબાર માલ આપવા જવું પડે છે.