મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટકના ઓનલાઇન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 10 મે ને શનિવારના રોજ સવારે 11 થી સાંજે 4 કલાક સુધી મોરબીના વજેપર સ્થિત વણકરવાસ મેઇન રોડ પર આવેલી સાર્વજનિક પ્રાથમિક શાળામાં યોજાશે.સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી)નું અમલીકરણ કરાયું છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા ધોરણ મુજબ 30 મીટર થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા 2,50,000 એમ કુલ 4 લાખની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પ (મેળા)નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.