મોરબી : ગોંડલ સંઘાણી સંપ્રદાયના મહાસતીજીની પાંચમી પુણ્યતિથિ નિમિતે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજાર, મોરબી તથા શ્રીમતી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળાના સંયુક્ત ઉપક્રમે ગત તા. 7-5-2025ને બુધવારના રોજ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી મોરબી ખાતે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જે વડીલોની ઉંમર 72 વર્ષ કે તેથી વધુ હોય તેવા વડીલોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર.જયશ્રીબેન મહાસતીજી તથા બા.બ્ર. હંસાબેન મહાસતીજીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જૈન શાળાના બાળકોએ માતા-પિતા અંગેનું નાટક કરી સર્વેને ભાવવિભોર કર્યા હતા. આ કાર્યક્રમમાં ધર્મનાથ મિત્ર મંડળ, દરબાર ગઢ, તપગચ્છ સંઘ, મોરબી દ્વારા સંગીતના સૂર સાથે બધાને રસતળબોર કરી દીધા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજાર, મોરબીના પ્રમુખ નવીનભાઈ દોશી, ઉપ પ્રમુખ ઊર્મિલાબેન મહેતા, સેક્રેટરી અશોકભાઈ મહેતા, અન્ય ટ્રસ્ટી યોગેશભાઈ મહેતા, હસુભાઈ દોશી, શ્રીમતી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળાના ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી તથા સુરેશભાઈ મહેતાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.