કેનાલ રીપેરીંગ માટે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હોય, કેનાલ તોડવામાં આવી પણ રીપેરીંગ અને કચરો સાફ ન કરવામાં આવતા ધારાસભ્ય અધિકારીઓ ઉપર બગડ્યા મોરબી : કેનાલના કામ માટે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ કેનાલના કામમાં લોલમલોલ થતી હોવાનું ધારાસભ્ય કાંતિલાલના નિરીક્ષણ દરમિયાન સામે આવતા તેઓએ અધિકારીઓનો ફોન ઉપર ઉધડો લીધો હતો. આજે 8 મેના રોજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કેનાલની રૂબરૂ મુલાકાત લઈને જ્યાં કામ અધુરું છે તે પૂરું કરવા અધિકારીઓને સૂચના આપી હતી. પાવડિયાળી કેનાલ રોડ મોરબી ખાતે ધ્રાંગધ્રા શાખા નહેર પાવડિયાળીથી નવા સાદુળકા અને હરિપર ધ્રાંગધ્રા બ્રાંચની ડી-32 માઈનોર કેનાલનું કામ અધુરું છે જે અંગે હરિપર અને ભરતનગર ગામના ખેડૂતો અને આગેવાનોને સાથે રાખી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સ્થળ મુલાકાત કરી હતી. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત દરમિયાન નર્મદાના સેક્રેટરી અને ચીફ એન્જિનિયર તેમજ વિવિધ અધિકારીઓને કડક સૂચના આપીને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.જો કે આ દરમિયાન ધારાસભ્ય ગુસ્સે પણ થઈ ગયા હતા.તેઓએ અધિકારીને ફોન કરીને તતડાવી નાખ્યા હતા. તેઓએ કહ્યું કે હવે પાણી છોડવાનો સમય આવી ગયો છે. છતાં કેનાલને રીપેર કરવમાં આવી નથી. સાફ કરવામાં આવી નથી. વધુમાં તેઓએ અધિકારીને તાકીદ કરી હતી કે તુરંત જ અહીં રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક કામ શરૂ કરાવો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેનાલના પ્રશ્નોને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો અને અધિકારીઓ ને સાથે રાખી બેઠક યોજી હતી. આ બેઠકમાં પણ જલ્દી કામ કરવાના આદેશ અપાયા હતા. તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા લોલમલોલ થતી હોય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આજે ફરી વાર અધિકારીઓને તતડાવ્યા હતા.