મોરબી જિલ્લામાં 816 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યોમોરબી : આજે 8 મેના રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ 10ના પરિણામમાં પણ મોરબી જિલ્લાએ રંગ રાખ્યો છે. મોરબી જિલ્લો ધોરણ 10ના પરિણામમાં 88.78 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. ધોરણ 10ની પરીક્ષામાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો 72.55 ટકા સાથે ખેડા છે.મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાએ 88.78 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. મોરબી જિલ્લામાંથી 12128 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 816 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 2050 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2349 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 2449 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 2072 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ અને 940 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.સમગ્ર રાજ્યના પરિણામની વાત કરીએ તો ધોરણ 10નું 83.08 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 82.56 ટકા હતું. એટલે કે ગત વર્ષ કરતા 0.52 ટકા વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર મહેસાણા જિલ્લાનું કાંસા અને ભાવનગર જિલ્લાનું ભોળાદ છે. બન્ને કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખેડા જિલ્લાનું અંબાવ છે. જેનું પરિણામ 29.56 ટકા આવ્યું છે. રાજ્યમાં 1574 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં 28055 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.