માળિયામાં બપોર બાદ ધોધમાર વરસાદ, હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં વધુ વરસાદમોરબી : છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લામાં ઉનાળાએ વિરામ લીધો હોય અને ચોમાસાની શરૂઆત થઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ ભારે પવન અને આંધી સાથે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતું બીજી તરફ ખેડૂતોને ઉનાળું પાકમાં મોટાપાયે નુકસાન થયું છે.મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. બપોર 3 વાગ્યા પછી માળિયામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો ઘાંટીલા ગામમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો આ તરફ હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે. ટીકર રણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ગામમાં પાણી ભરાયા હતા.મોરબી તાલુકાની વાત કરીએ તો, મોરબી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે. મોરબી શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. આ તરફ ટંકારામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જ્યારે વાંકાનેરમાં સવારના સમયે આશરે અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.