10 મે સુધીમાં મંજૂરી વિનાના ક્યોસેક, હોર્ડિંગ્સ અને બોર્ડ હટાવી લેવા સૂચનામોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 7 મેના રોજ મોરબી શહેરમાં રહેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા ગાંધી ચોકમાં 4-5 જેટલા જોખમી હોર્ડિંગો દુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નટરાજ ફાટક પાસે રેલવે લાઈન પાસે રહેલા જોખમી હોર્ડિંગ દુર કરવામાં આવ્યા હતા.આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર બુધવારે મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર રહેલા બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કરાતી હોય છે. પરંતુ આજે અમારી ટીમ દ્વારા બિન અધિકૃત હોર્ડિંગ્સ અને બેનર લાગેલા છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ચોમાસું નજીક છે ત્યારે કોર્પોરેશનની મંજૂરી વગરના જોખમી હોર્ડિંગ્સ અને બેનર હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે જેથી જાનહાનિને અટકાવી શકાય. મોરબી મહાનગરપાલિકા દ્વારા 130 જેટલા હોર્ડિંગ્સને જ મંજૂરી આપવામાં આવેલી છે. બાકીના હોર્ડિંગ્સ મંજૂરી વિના લગાવેલા છે. જો પવન કે વરસાદ આવે તો આવા હોર્ડિંગ્સના કારણે જાહેર જનતાને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત મોકડ્રિલ અંગે કમિશનરે જણાવ્યું હતું કે, 7-45 થી 8-15 સુધી લોકોએ પોતાની રીતે ઘરની લાઈટ બંધ કરી દેજો. મોરબી મહાનગરપાલિકા દ્વારા પણ 19 લોકોની ટીમ કાર્યરત છે જે શહેરમાં જાહેર લાઈટોને બંધ કરવામાં મદદરૂપ થશે.સાથે જ મોરબી મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, સમગ્ર શહેરી વિસ્તારમાંથી બિન પરવાનગી ક્યોસેક, હોર્ડિંગ બોર્ડ અથવા જાહેરાતના બોર્ડ સાર્વજનિક જગ્યાએ લગાડેલા હોય તો તે 10 મે, 2025 સુધીમાં હટાવી લેવા. જો ત્યારબાદ આવા અનઅધિકૃત જાહેરાતના બોર્ડ મહાનગરપાલિકાના ધ્યાને આવશે તો બોર્ડ દીઠ વહીવટી ચાર્જ વસૂલાત કરી જાહેરાતના બોર્ડ જપ્ત કરવામાં આવશે.