ટંકારા : ટંકારા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વૃક્ષોનો સોથ વળી ગયો છે. નેસડા સુરજી ગામ જવાના માર્ગ પર વરસાદ અને પવનના કારણે અનેક વૃક્ષો અને વીજળીના પોલ જમીનદોસ્ત થઈ ગયા છે. વીજળીના થાંભલા પડી જતાં મોટું નુકસાન થયું છે અને વીજળી પણ ગુલ થઈ હોવાની માહિતી મળી છે. તો આ તરફ સરાયા ગામ પાસે લતીપર રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. તંત્ર દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.