હજુ બે નાલા-વોકળાને આડસ મારવાની બાકી છે તે બે દિવસમાં પૂર્ણ થઈ જશે, ખુલ્લી કુંડી અંગેની ફરિયાદ માટે નંબર પણ જાહેર કરાયો છે : નાયબ કમિશનરમોરબી : મોરબી મહાપાલિકાએ એક્શન મોડમાં આવીને મહાપાલિકાએ 9 જેટલા નાલા-વોકળા ફરતે આડસ મારી છે. અને 110 ખુલ્લી કુંડીઓને બંધ કરી છે. બાકી રહેલું કામ બે દિવસમાં પૂર્ણ કરી દેવાનું એલાન પણ કર્યું છે. તાજેતરમાં ખુલ્લી કુંડીમાં પડી જવાથી એક બાળકનું મોત થયુ હતું. આ બનાવ બાદ શહેરમાં રહેલા જોખમી નાલા- વોકળા તથા ખુલ્લી કુંડી અંગેના સમાચારો પ્રસિદ્ધ થયા હતા. જેને પગલે મહાપાલિકાએ એક્શન મોડમાં આવીને ત્વરિત કામગીરી શરૂ કરી હતી. નાયબ કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં જોખમી 11 નાલા અને વોકળાનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 9 નાલા- વોકળાઓનો જોખમી ભાગ દૂર કરી જરૂરી ફેનસિંગ કરવામાં આવ્યું છે. બાકીનું કામ દિવસ 2માં પૂર્ણ કરવામાં આવશે. મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ 4144 મેનહોલનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 110 મેનહોલ રીપેર કરવા પાત્ર હતાં. જેમાંથી 110 મેનહોલ રીપેર થઇ ગયેલ છે. હાલ કામગીરી ચાલુ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વધુમાં તૂટેલા કે ખરાબ મેનહોલ કવર એટલે કે ખુલ્લી કુંડી દેખાઈ આવે તો ફોન નં. 02822 220551 ઉપર સંપર્ક કરવા અથવા કચેરીએ ફરિયાદ કરવા લોકોને અપીલ કરાઈ છે.