ભાવપર, સુરજબારી, હરિપર, બગસરા, જાજાસર વિસ્તારમાં વધારે નુકસાન : પીજીવીસીએલના 10 વીજપોલ પણ ધરાશાયીમોરબી : મોરબી જિલ્લામાં માવઠા અને ભારે પવનને કારણે મીઠા ઉદ્યોગને પણ ફટકો પડયો છે. અગરિયાઓએ ભરઉનાળે કાળી મજૂરી કરીને પકવીને તૈયાર કરેલા મીઠાને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. માળિયા મિયાણા પંથકમાં પણ ઝાપટા પડ્યા હતા. જેને કારણે મિઠા ઉદ્યોગને ફટકો પડયો છે. આ અંગે મોરબી સોલ્ટ એસોસિએશનના પ્રમુખ દિલુભાએ જણાવ્યું કે ભાવપર, સુરજબારી, હરિપર, બગસરા, જાજાસર વિસ્તારમાં મીઠા ઉદ્યોગને વધુ અસર છે. તૈયાર મીઠું હતું અને ક્યારામાં જે મીઠું હતું તેને નુકસાન થયું છે. હજુ પણ ઝાપટા ચાલુ છે. વરસાદ વિરામ લ્યે ત્યારબાદ ખ્યાલ આવશે કે કેટલું નુકસાન થયું છે. બીજી તરફ માળિયા મિયાણા પંથકમાં પીજીવીસીએલને પણ નુકસાન થયું છે. આ અંગે પીજીવીસીએલના અધિકારી ડી.આર.ઘાડિયાએ જણાવ્યું કે હરિપર વિસ્તારમાં 10 પોલ પડી ગયા હતા. તેમાં આગળની કાર્યવાહી ચાલુ છે.