મોરબી જિલ્લામાં ઝાપટાથી લઈ પોણો ઈંચ કમોસમી વરસાદ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં કમોસમી વરસાદ મોરબી : રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ ચોમાસા જેવા માહોલમાં વચ્ચે ગઈકાલથી ગાજવીજ અને તોફાની પવન સાથે સાર્વત્રિક કમોસમી વરસાદ શરૂ થયો છે જે આગામી તા.11 સુધી ચાલુ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં બે મીમીથી લઈ પોણો ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.રાજ્યના 168 તાલુકામાં પોણા બે ઇંચથી લઈ 1 મીમી વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ જ મોરબી સહિત રાજ્યભરમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી જેમાં રાત્રીના સમયે મોરબી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 2 મીમીથી લઈ 17 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં હળવદમા 17 મીમી, મોરબી અને વાંકાનેરમાં 10 મીમી, ટંકારામાં 9 મીમી તેમજ માળીયા મિયાણામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 40મીમી વરસાદ નોંધાયો હતો.