GCAS પોર્ટલ પર ફોર્મ ભરી ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં વિવિધ કોર્સમાં પ્રવેશ મળશે મોરબી : ધો. 12માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને 12 પછી કયો અભ્યાસક્રમ પસંદ કરવો વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે મોરબીના ભડીયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશનની પાસે આવેલી શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ ઉપર માત્ર એક જ ફોર્મ ઉપલબ્ધ કરાયું છે. આ એક જ ફોર્મથી ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં વિવિધ કોર્સમાં પ્રવેશ મળી શકે છે. આ GCAS પોર્ટલ ઉપર શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ દ્વારા વિનામૂલ્યે રજિસ્ટ્રેશન અને પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના ધોરણ 12 પાસ થયેલા સંતાનોના વાલીઓને જણાવ્યું છે કે, કોઈપણ જાતની ચિંતા રાખ્યા વગર દરેક વિદ્યાર્થીઓને મોરબી જિલ્લામાં પ્રવેશ મળી જશે એટલે ખોટી ઉતાવળ કરવી નહીં, કોઈની લોભામણી જાહેરાતોથી દોરવાવું નહીં, આપના સંતાનોને જે વિદ્યા શાખામાં પ્રવેશ મેળવવાનો હોય તે વિદ્યા શાખાનો અભ્યાસક્રમ ચલાવતી દરેક કોલેજની ભૌતિક સગવડો, કોલેજમાં ઉપલબ્ધ સ્ટાફની સંખ્યા અને તેની શૈક્ષણિક લાયકાતો, ફીનું માળખું વગેરે બાબતોની યોગ્ય તપાસ કર્યા બાદ જ કોલેજની પસંદગી કરવી, ઘણી વખત તમારું સંતાન પોતાના મિત્રોની દોરવણી નીચે કોલેજની પસંદગી કરે છે. ત્યારબાદ અમારા અનુભવો છે કે એકાદ વર્ષ પછી કોલેજ બદલાવવા માટે એટલે કે કોલેજ ટ્રાન્સફર માટે પ્રયત્નો કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો મુજબ ત્યારબાદ મોટાભાગના કિસ્સામાં કોલેજ ટ્રાન્સફર શક્ય હોતી નથી અને આપને વધારાનું ફીનું ભારણ ઉઠાવવું પડે છે. આ બધી સમસ્યાઓ ઊભી ન થાય એટલા માટે અત્યારથી જ નિરાંતે વિચારીને કોલેજ પસંદગી કરવી કોઈ ઉતાવળ કરવી નહીં દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જશે તેવી વ્યવસ્થા કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા કરવામાં આવેલી છે. વિશેષ માહિતી કે માર્ગદર્શન માટે હેલ્પ સેન્ટર શ્રીમતી જી,જે. શેઠ કોમર્સ કોલેજ મોરબીનો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.