હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ : હજુ કાલે બપોર સુધી આગ સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય તેવી શકયતા : હજુ ફાયરની 5 ટિમો ઘટના સ્થળે કામે લાગેલીમોરબી : અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગમાં આજે ત્રીજા દિવસે પણ લબકારા યથાવત છે. હાલ ફાયરની 5 ટિમો આ આગ ઓલવવા માટે કામે લાગી છે. આવતીકાલે બપોર સુધીમાં આગ સંપૂર્ણ પણે ઓલવાઈ જાય તેવી શકયતા સેવાઈ રહી છે. માળીયા - હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે આવેલ લેમિત પેપરમિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં તા.4ના રોજ સાંજે 4 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આ આગની ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હોવાથી મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, સુરેન્દ્રનગરની એક-એક ફાયર ટિમને બોલાવવામાં આવી હતી. આ આગ બુઝાવવાની જવાબદારી રિજનલ ફાયર ઓફિસર રાહુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હળવદના ફાયર ઓફિસર રોહિત મહેતાને સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે હાલ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હલબદ, મોરબી, રાજકોટની 5 ફાયર ટિમો છે. બાકીની ટીમોને રવાના કરી દેવામાં આવી છે. હજુ સુરેન્દ્રનગરની ટીમને 1 વાગ્યા પહેલા રવાના કરી દેવામાં આવશે. ગોડાઉન 200 મીટરનું છે. આજુબાજુમાં કઈ સળગે નહી તેની વિશેષ તકેદારી રાખવાની હોવાથી અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલુ છે. કુલિંગ પ્રોસેસ કાલે બપોર સુધી ચાલુ રહે ત્યારબાદ આગ સંપૂર્ણ ઓલવાઈ જાય તેવી શકયતા સેવાઈ રહી છે.