મોરબીમાં નગરદરવાજે સાયરન મુકાયું છે, જે ઇમરજન્સી વખતે તેમજ મચ્છુ ડેમના દરવાજા ખુલે ત્યારે અને મચ્છુ હોનારતની વરસીએ વગાડવામાં આવે છેમોરબી : આવતીકાલે 7 મેના રોજ દેશના 244 જિલ્લામાં ઇમરજન્સી યુદ્ધની મોકડ્રિલ યોજાવાની છે. જેમાં ગુજરાતના ઘણા જિલ્લાઓ પણ સામેલ છે. આમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે.પહેલગામ હુમલા બાદ ભારત અનેક મોરચે પાકિસ્તાન સામે લડત આપી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકા વચ્ચે ભારતે ઇમરજન્સી યુદ્ધની મોકડ્રિલ યોજવાનું નક્કી કર્યું છે. જેને પગલે દેશભરમાં યુદ્ધની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દેશમાં છેલ્લી વખત આવી મોકડ્રિલ 1971માં યોજાઈ હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. આ મોકડ્રિલ યુદ્ધ દરમિયાન થઈ હતી, જોકે રવિવાર-સોમવાર રાત્રે પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ગામડાં અને વિસ્તારોમાં રાત્રે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી વીજળી બંધ રહી.કાલે 7 તારીખે સાયરન વગાડી ઇમરજન્સી યુદ્ધ માટે મોકડ્રિલ થવાની છે. આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે મોરબી માટે હજુ કોઈ સત્તાવાર સૂચના આવેલ નથી. બીજી તરફ સરકાર દ્વારા ગુજરાતમાં સુરત, વડોદરા,કાકરાપર, અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નવસારી, નર્મદા આટલા વિસ્તારોમાં જ આ મોકડ્રિલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં નગરદરવાજે સાયરન છે. તે આફ્તના સમયે, મચ્છુ ડેમના દરવાજા ખોલે ત્યારે અને મચ્છુ હોનારતની વરસીમાં વગાડવામાં આવે છે.