સાંજે 4 વાગ્યે જાહેર ભીડ વાળા સ્થળોએ મોકડ્રિલ થશે : સમગ્ર જિલ્લામાં રાત્રે 7:45થી 8:15 સુધી લાઈટ બંધ રાખવાની સૂચનાયુદ્ધની સંભવતઃ પરિસ્થિતિને ધ્યાને લઇ દેશપ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે, મોકડ્રિલ અને બ્લેક આઉટને સફળ બનાવવા મોરબીવાસીઓ સહકાર આપે : કલેકટરમોરબી : યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કાલે તા.7ના રોજ અનેક જિલ્લાઓમાં મોકડ્રિલ યોજવામાં આવનાર છે. આ મોકડ્રિલ મોરબીમાં પણ સાંજે 4 વાગ્યે યોજાનાર હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર જિલ્લામાં રાત્રીના 7:45થી 8:15 સુધી લાઈટ બંધ રાખવાની સૂચના આપી બ્લેક આઉટને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું કે મોરબી ખાતે આવતીકાલે બપોરે 4:00 વાગ્યાથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે. આપણા જિલ્લામાં મહત્તમ પબ્લિક ભેગી થતી હોય તેવા સ્થળે મોકડ્રિલ યોજાશે. યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખતા આવતીકાલે સમગ્ર મોરબી જિલ્લામાં રાત્રિના 7: 45 થી 8:15 કલાક સુધી બ્લેક આઉટ એટલે કે સંપૂર્ણ અંધારપટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ માટે પ્રજાજનોને જાગૃત કરવા માટે આહવન પણ કરવામાં આવે છે.એવી ઘડી છે કે જેમાં આપણે આપણો રાષ્ટ્રપ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે. આવતીકાલે રાત્રે 7: 45 થી 8:15 કલાક સુધીમાં આપણા જિલ્લાની તમામ હોસ્પિટલ તેમજ જરૂરી સંસ્થાઓ સિવાય તમામ ઘરો, તમામ વેપારી પ્રવૃત્તિ થતી જગ્યાઓ, ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાના સ્થળોએ લાઈટ બંધ રાખવામાં આવે. તમામ લોકો આ અંધારપટમાં અવશ્ય સહકાર આપે અને દેશના હિત માટેની આ પ્રવૃત્તિને સફળ બનાવે તેવી હું અપીલ કરું છું. અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે આ મોકડ્રિલને લઈને ભ્રામક વાતો ફેલાવવામાં ન આવે અને તંત્રની સૂચનાનું પાલન થાય તેવી અપીલ છે. આપણે કચ્છ સાથે જોડાયેલ છીએ, આપણો દરિયા કિનારો પણ છે એટલે મોરબી જિલ્લો સંવેદનશીલ ગણાય.