જીવીટી 600× 1200 mmના ભાવમાં અગાઉ રૂ.2 પ્રતિ ફૂટનો ભાવ વધારો જાહેર થયો હતો, તેની રિવ્યુ બેઠક યોજાઇ : તમામ ઉત્પાદકોએ ઓછા ભાવે માલ ન વેચવાનો નિર્ણય લીધોમોરબી : મોરબીમાં જીવીટી ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરતા ઉદ્યોગકારોએ આજે રિવ્યુ બેઠકમાં ભાવ વધારા સાથે જ માલ વેચવાના અનોખા શપથ લીધા હતા. માર્કેટમાં ગળાકાપ હરીફાઈ ન સર્જાય તે માટે ઉદ્યોગકારોએ આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મોરબીમાં આજે મોરબી જીવીટી 600× 1200 mm ટાઇલ્સનું ઉત્પાદન કરતા 110 ઉદ્યોગકારોની રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠક અંગે મોરબી સિરામિક એસોસિએશનના વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે અગાઉ એપિલ મહિનામાં બેઠક યોજાઇ હતી. જેમાં ટાઇલ્સમાં 1 મેથી રૂ.2 પ્રતિ ફૂટનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ લાગુ થઈ ગયા છે. ત્યારે આજની રિવ્યુ બેઠકમાં ઉદ્યોગકારોએ અનોખી રીતે શપથ લીધા હતા કે તેઓ નવા ભાવે જ માલ વેચશે અને એસોસિએશનના તમામ નિયમોનું પાલન કરીને જ વેપાર કરશે.