રાત સુધીમાં 70 ટકા જેટલી આગ ઓલવાઈ જવાની શક્યતા : આગ હવે વધુ ફેલાઈ નહિ તેવી સ્થિતિમાં આવી જતા હાંશકારોમોરબી : અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ 19 કલાક બાદ 50 ટકા જેટલી બુઝી છે. હાલ ફાયરની 7 ટિમો આ આગ ઓલવવા માટે કામે લાગી છે. આજે રાત સુધીમાં 70 ટકા જેટલી આગ બુઝી જાય તેવી શકયતા સેવાઈ રહી છે. માળીયા - હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે ખાખરેચીની સીમમાં આવેલ લેમિત પેપરમિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં ગઈકાલે સાંજે 4 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, સુરેન્દ્રનગરની એક-એક ફાયર ટિમ હાલ પાણીનો મારો ચલાવી રહી છે. હાલ આ આગ બુઝાવવાની જવાબદારી રિજનલ ફાયર ઓફિસર રાહુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હળવદના ફાયર ઓફિસર રોહિત મહેતાને સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે આગ 50 ટકા કાબુમાં છે. કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આગ હવે વધુ ફેલાઈ એવી પરિસ્થિતિ નથી. જથ્થો વધુ છે એટલે કામગીરી લાંબો સમય ચાલશે. રાત સુધીમાં 70 ટકા જેટલુ કામ થઈ જાય તેવી શકયતા છે. 200 મિટરનો શેડ છે. તેમાં મોટી સંખ્યામાં જથ્થો મુકેલો હતો. જેથી આ આગ ખૂબ વિકરાળ હતી. ઉલ્લેખનીય છે કે આ આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. આ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. હાલ ફાયર બ્રિગેડના જવાનો આ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.