એક સમયે 350 નાળિયાના કારખાના ધમધમતા, આજે માત્ર 30 જ બચ્યા : હાઇરાઈઝ અને સિમેન્ટ કોન્ક્રીટના મકાનોએ નળિયાનો ભોગ લીધો : હવે ડેકોરેટિવ મટિરિયલમાંથી પણ નળિયાની બાદબાકીમોરબી : તળિયા, નળિયા અને ઘડિયા તરીકેની ઓળખ ધરાવતા આજના સિરામિક સીટી મોરબીને દેશ - વિદેશમાં નળિયા ઉદ્યોગ થકી નામના અપાવવામાં સિંહ ફાળો આપનાર નળિયા ઉદ્યોગ હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. એક સમયે મોરબીમાં નળિયાની 350થી વધુ ફેકટરીઓ હતી અને આજે માંડ 30 ફેકટરી બચી છે જેમાં પણ મોટાભાગના યુનિટો આજે બંધ પડયા છે.મોરબીના અગ્રણી નળિયા ઉદ્યોગકાર હસમુખભાઈ પ્રજાપતિ જણાવે છે કે, આઝાદી બાદ વર્ષ 1951માં પ્રથમ વખત મોરબીમાં નળીયા ઉદ્યોગની શરૂઆત અમરેલી રોડ પર આવેલ પ્રજાપત વિસ્તારમાં પ્રજાપતિ ટાઇલ્સ નામથી અમરશીભાઇ પ્રજાપતિએ કરી હતી. બાદમાં ધીમે ધીમે લીલાપાર રોડ, અમરેલી રોડ અને વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપરથી લઈને મકનસર સુધી નળિયાની ફેકટરીઓ ધમધમવા લાગી હતી.સ્વપ્નના ઘર માટે એક સમયે વિલાયતી નળિયા સ્ટેટસ સિમ્બોલ ગણાતા, નળીયા બનાવવા માટે જોઈતી લાલ માટી પણ મોરબી આસપાસના વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી જતી હોવાથી વર્ષ 2000 સુધીમાં મોરબી શહેર અને જિલ્લામાં 350 જેટલા નળીયાની ફેકટરીઓ થઇ ગઈ હતી. અને મોરબીના નળીયા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહીત આખા ભારતભરના રાજ્યોમાં પહોંચતા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990 આસપાસ તો નળીયા લેવા માટે વેઇટિંગમાં વારો આવતો એટલી ડિમાન્ડ હતી. એ સમયે એક યુનિટ વર્ષ દરમિયાન 15 લાખ જેટલા નળિયાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા હતા.સિમેન્ટ કોન્ક્રીટની છતે નળિયાનું ભવિષ્ય રોળ્યુંએક સમયે સિમેન્ટ રેશનિંગ ઉપર મળતી હતી. જો કે, 90ના દાયકા બાદ સિમેન્ટ છૂટથી મળવા લાગતા લોકો સિમેન્ટ કોન્ક્રિટોના મકાનો બનાવવા લાગ્યા અને લાંબા ટકાઉ વિકલ્પ તરીકે સિમેન્ટની છત ભરવાનું શરૂ થયું. બાદમાં દિવસે દિવસે નળીયાનો ઉપયોગ ઘટતો ગયો હોવાનું નળિયા ઉદ્યોગ સાથે જોડાયેલ લોકો જણાવી રહ્યા છે.વર્ષ 2009થી મોરબીના નળિયા ઉદ્યોગની માઠી દશા બેઠીદરેક ચીજનો દસકો હોય છે તેમ મોરબીના નળિયા ઉદ્યોગનો પણ દસકો નહિ પણ સારો વિસકો ગયો. જો કે, વર્ષ 2009થી મોરબીના નળીયા ઉદ્યોગની પડતી શરુ થઇ ત્યારથી દર વર્ષે યુનિટો ઘટતા ગયા જે આજે માત્ર 30 યુનિટો જ રહ્યા એમાં પણ હાલ કાર્યરત 26 જેટલા જ રહ્યા છે. ઉત્પાદન પણ ઘટી ગયું જે ફેક્ટરી વર્ષે 15 લાખ નળીયા બનાવતું તે હાલ 7 થી 8 લાખે પહોંચી ગયું છે. પહેલા દર વર્ષે વરસાદની સિઝન શરુ થાય ત્યારે એટલે કે 30 જૂનથી નળીયાની ફેકટરીઓ બંધ થતી જે આ વર્ષે ડિમાન્ડ ન હોવાના કારણે માલનો ભરાવો થતા આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ બંધ કરવાની નોબત આવી છેહવે તો ડેકોરેટિવ નળિયા પણ ગયા, સરકાર ટેક્સમાં રાહત આપેમોરબીમા નળિયાનું ઉત્પાદન કરતા હસમુખભાઈ પ્રજાપતિ જણાવે છે કે હાલમાં નળિયાનો કોઈ ડિમાન્ડ જ નથી. મોરબીમાં 30 માંથી મોટાભાગના યુનિટો હાલ બંધ પડ્યા છે. પહેલા તો ડેકોરેટિવ નળીયા પણ ચાલતા પરંતુ હવે તેનું ચલણ પણ ધીમે ધીમે ઘટતું જાય છે જેના કારણે કોઈ લેવાલ જ નથી. ઉપર જતા સરકાર દ્વારા 12 ટકા જીએસટી લગાવતા મોંઘા ભાવના નળિયા અને નળિયા નાખવા માટે મોંઘા ભાવનું લાકડાનું સ્ટ્રક્ચર બનાવવું પડે તે પણ લોકોને મોંઘુ પડતું હોય કોઈ ગરીબો માણસો પણ નળિયા ફિટ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું જણાવ્યું હતું. જો કે, સરકાર ટેક્ષમાં કોઈ રાહત આપે તો આ ઉદ્યોગ બચી શકે તેમ હોવાનું પણ જણાવ્યું હતું