વર્તમાન સરકાર સંવિધાનની ઉપેક્ષા કરતી હોવાનો કોંગ્રેસનો આરોપમોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ તારીખ 5 મેના રોજ મોરબી શહેરમાં સંવિધાન બચાવો યાત્રા નીકળી હતી. મોરબીમાં નીકળેલી સંવિધાન બચાવો યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઈસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા કોંગ્રેસના ઓબ્ઝર્વર ડો. દિનેશ પરમાર જણાવ્યું હતું કે, આજે મોરબીમાં નીકળેલી સંવિધાન બચાવો યાત્રામાં AICCના પ્રતિનિધિ તરીકે બી.વી.શ્રીનિવાસ, વાલજીભાઈ, ઝાકીર હુસૈન ચૌહાણ અને હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષને કેવી રીતે મજબૂત કરવો તે ઉદ્દેશથી આજે સંવિધાન બચાવો યાત્રામાં જોડાયા હતા. જે રીતે સરકાર દ્વારા સંવિધાનની ઉપેક્ષા થઈ રહી છે તે મામલે કોંગ્રેસ ગંભીરતાથી વિચારી રહી છે. તેથી સંવિધાન બચાવવા માટે આ રેલી કાઢવામાં આવી છે.ડો. દિનેશ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર બે ધર્મના લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. સરકારને ગરીબી, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે તે દેખાતું નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. પ્રજાને બેફામ રીતે હેરાન કરવામાં આવી રહી છે. સરકાર મંદિર-મસ્જિદમાંથી બહાર આવતી નથી. લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશની સરહદ ઉપર બેરહમીથી દેશના સૈનિકો અને નિર્દોષ લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે. તેની જવાબદાર સરકાર છે. પહલગામ હુમલા અંગે વાત કરતાં ડો. દિનેશ પરમારે જણાવ્યું હતું કે, આઈબી અને રો દ્વારા ઈનપુટ મળ્યા હોવા છતાં અમિત શાહે ત્યાંથી સિક્યુરિટી હટાવી દીધી.રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસ બી.વીએ જણાવ્યું હતું કે, સંવિધાન આ દેશનો આત્મા છે. વર્તમાન સરકારના નેતાઓ સંવિધાનને ખતમ કરવા માટેની જે નિવેદનબાજી કરી રહ્યા છે તેને લઈને દેશભરમાં કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવવા રસ્તા પર ઉતરી છે. આગામી દિવસોમાં સંવિધાન બચાવો યાત્રાને મોટું સ્વરૂપ આપવામાં આવશે.