મોરબી : સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં સાંજે ઝાપટા પડ્યા બાદ મોરબીમાં પણ અત્યારે રાત્રીના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. સામાકાંઠે અમુક વિસ્તારમાં છાટા પણ પડ્યા છે.ગુજરાતમાં ભરઉનાળે અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે સાંજે રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે મોરબીમાં પણ આજે રાત્રીના વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે સામાકાંઠે અમુક વિસ્તારોમાં છાટા પડ્યા છે. વધુમાં મહેન્દ્રનગર ચોકડીએ પણ ઝાપટું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે માવઠાને કારણે ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 8 મે, 2025 સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.