ગોડાઉનમાં 12 હજાર ટન જેટલો પેપરનો જથ્થો : મામલતદાર સહિતના અધિકારી ઘટના સ્થળે : અડધો કિમિ સુધી ધુમાડા દેખાયામોરબી : અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ 3 કલાક બાદ પણ બેકાબુ છે. હાલ ફાયર વિભાગની 5 ટિમો આગ ઉપર પાણીનો મારો ચલાવી રહી છે. આગના ધુમાડા અડધો કિમિ સુધી દેખાય રહ્યા છે.માળીયા - હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે ખાખરેચીની સીમમાં આવેલ લેમિત પેપરમિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં સાંજે 4 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. મોરબી ફાયરની 2 ટિમ ઉપરાંત હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટની એક-એક ફાયર ટિમ હાલ પાણીનો મારો ચલાવી રહી છે. ત્રણ કલાક જેટલો સમય થયો હોવા છતાં હજુ આગ બેકાબુ છે.આ મામલે માળિયા મિયાણાના તાલુકા મામલતદાર પરમારે જણાવ્યું કે મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટની ફાયર ટિમો ઘટના સ્થળે છે. સુરેન્દ્રનગરથી પણ ફાયરની ટિમ બોલાવવામાં આવી છે. આ ગોડાઉનમાં ફાયર સેફટીની સવલત હતી કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. વધુમાં ગોડાઉનના માલિક રાજુભાઇના જણાવ્યા અનુસાર આ ગોડાઉનમાં અંદાજે 12 હજાર ટન જેટલો પેપરનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. આ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડના જવાનો આ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.