મોરબી : કાળઝાળ ગરમીમાં રાહતની સાથે જ આવતીકાલ તા.5થી કમૌસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં બદલાવ આવશે અને તા.5મીથી સમગ્ર રાજ્યમાં મીની વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ-મોરબી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે કરા પડશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક એર સર્ક્યુલેશનને લઈ રાજ્યના વાતાવરણમાં બદલાવ સાથે તા.4મે થી કમૌસમી વરસાદની એક્ટિવિટી શરૂ થશે જેમાં તા.5 અને તા.6ના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે કરા પડવાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદ તેમજ કરા પડવાની શક્યતા છે. સાથે જ આગામી તા.9 સુધી રાજ્યભરમાં છુટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર ઉપરી હવાનું ચક્રવાત યથાવત છે.ઉપરોક્ત ચક્રવાત પરિભ્રમણથી દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર ઉત્તર-દક્ષિણ ટ્રફથી દક્ષિણ તમિલનાડુ સુધી તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંતરિક કર્ણાટકમાં પણ સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર રહેવાને કારણે વાતાવરણમાં પલટો આવવાની સાથે અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આમ લાંબો સમય સુધી કાળઝાળ ગરમી પડયા બાદ હવે પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં ગરમીમાં રાહત મળવાના સંકેત મળી રહ્યા છે.આ સાથે હવામાન નિષ્ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા ટંકારા) પણ જણાવ્યું હતું કે અગાઉ કરેલ આગાહી મુજબ તારીખ 3 મેં થી 9મેં સુધી સૌરાષ્ટ કચ્છ અને ગુજરાત માં હળવોથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડશે કેટલાક વિસ્તાર માં 2 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ જોવા મળશે તેવા વિસ્તારમાં ઉત્તર ગુજરાત લાગુ કચ્છ અને સુરેન્દ્રનગર અને મોરબી. હળવદ. વાંકાનેર અને ટંકારા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ની સક્યતા છે બાકીના સૌરાષ્ટ અને સાઉથ ગુજરાત માં પણ હળવો મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે જ્યાં ગાજવીજ થાય ત્યાં અસ્થિરતા વધુ હોય પવન નું જોર વધુ રહેશે.