વીજ ચોરીના કેસમાં કોર્ટનો ચુકાદો : રૂ. ૩૦.૧૫ લાખનો દંડ પણ ફટકારાયોમોરબી : મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં ચંદ્રમૌલી પ્લાસ્ટીકના નામથી ઈન્ડસ્ટ્રી ચલાવતા હિતેશભાઈ ધનજીભાઈ ઠોરીયાને વીજ ચોરી કરવાના કેસમાં અદાલતે ગુનો સાબીત માની ૫ વર્ષની સખત કેદની સજા અને રૂ, ૩૦.૧૫ લાખનો દંડ પણ ફટકાર્યો છે.બનાવની હકીકત એવી છે કે, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં ચંદ્રમૌલી પ્લાસ્ટીકના નામથી ચાલતા ઔદ્યોગિક યુનીટમાં તેમના માલીક હિતેશભાઈ ધનજીભાઇના કનેક્શનનું તા. ૨૪-૯-૨૦૧૨ નારોજ ચેકીંગ કરવામા આવતા આ વીજ મીટરમા બાહ્ય ઈલેકટ્રોનિક સાધન (ડીવાઈસ) દ્વારા વીજ મીટરમાં વીજ વપરાશ નોંધાવવાનું અટકાવવાનું કૃત્ય કરેલ હોવાનું જણાય આવેલું હતું. આરોપીએ વીજ મીટર સાથે સર્કિટ દ્વારા ચેડા કરી મીટરમા નોંધાતો વીજ વપરાશ અટકાવી વીજ ચોરી કરેલ તેથી PGVCL દ્વારા આરોપીને વીજ ચોરીનું પુરવણી બીલ રૂા. ૧૦,૦૫,૧૨૫નું મોકલવામા આવેલ હતું અને વીજ ચોરી બદલ ફોજદારી કેસ દાખલ કરવામા આવેલ હતો. જે કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને સ્પેશ્યલ જજ ઈલેક્ટ્રીસીટી કોર્ટમાં ચાલી જતા રજુ થયેલ પુરાવાઓ, વકીલની દલીલો માન્ય રાખી ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડા સાહેબે આરોપી સામેનો ગુનો સાબીત માની આરોપીને ૫-વર્ષની સખત કેદની સજા અને ૩૦.૧૫ લાખનો દંડ ફટકાર્યો તેમજ દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા કરવાનો હુકમ કરેલો છે.આ કામે સરકાર વતી એડવોકેટ સંજયભાઈ દવે અને સાથે PGVCL કંપની વતી એડવોકેટ કમલેશભાઈ દકતરી રોકાયેલા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.