પોતાની એક્ટિંગ કળા અને પર્સનાલિટીથી PSI અરૂણ મિશ્રાએ મુવીમાં આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટરના રોલને ચાર ચાંદ લગાવી દીધા : મુવી 27 જૂને થશે રિલીઝ મોરબી : મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા PSI અરૂણ મિશ્રાએ બોલીવુડમાં ડેબ્યુ કરી મોરબીનું તથા મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. તેઓએ જ્ઞાનવાપી ફાઇલ્સ મુવીમાં મહત્વનું પાત્ર ભજવ્યું છે. આ મુવી આગામી દિવસોમાં રિલીઝ થવાનું છે. મુવીને લઈને PSI ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે ફિલ્મ નિર્માતા અમિત જાનીએ મુવી અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં 28 જૂન 2022 ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં, નુપુર શર્માના નિવેદનના વિવાદમાં દરજી કન્હૈયાલાલ સાહુની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસ પર 'જ્ઞાનવાપી ફાઇલ્સ: અ ટેલર મર્ડર સ્ટોરી' નામની ફિલ્મ રિલાયન્સ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં જ્ઞાનવાપી કેસ પણ સમાવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદનો એએસઆઈ સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણએ તારણ કાઢ્યું છે કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સ્થળ પર હાલના વિવાદિત માળખાના નિર્માણ પહેલા એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. આ મુવીમાં આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટરની ભૂમિકા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI અરૂણ મિશ્રાએ નિભાવી છે. અરૂણ મિશ્રાની પર્સનાલિટી હીરો માફક છે અને તેઓની એક્ટિંગ કળા પણ અભૂતપૂર્વ છે. જેના થકી તેઓએ પાત્રને ચાર ચાંદ લગાવી દીધા છે.આ અંગે PSI અરૂણ મિશ્રાએ જણાવ્યું કે હું આ મુવીમાં આર્કોલોજીક સર્વે ઓફ ઇન્ડીયાના ડાયરેકટરની ભૂમિકા ભજવું છું. જ્ઞાનવાપી કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારે સુપ્રીમે તપાસના આદેશ આપ્યા હતા. આ વેળાએ તેઓએ મસ્જિદમાં જઇ તપાસ કરી હતી. જેમાં મંદિરના અવશેષો મળ્યા હતા. તેઓએ આ રિપોર્ટ સુપ્રિમને આપે છે. તેમનું પાત્ર મુવીમાં આટલી ભૂમિકા ભજવે છે. તેઓએ જણાવ્યું કે આ મુવી 27 જૂને રિલીઝ થવાની છે. જેને લઈને તેઓ આતુર છે. આ મુવી માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ તેમને ખૂબ સહયોગ અને પ્રેરણા આપી છે.---------------------------------------------------------------------------વર્દીની મર્યાદા જળવાય રહે તેવા રોલ જ કરીશ : પોલીસ વિભાગનો ખૂબ સારો સહકાર PSI અરૂણ મિશ્રા જણાવે છે કે જે મુવી સમાજમાં સારો સંદેશ આપે છે તેવા મુવીનો હિસ્સો બનવામાં પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ ખૂબ સહયોગ આપે છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે તેઓ પોતાની નોકરીની જવાબદારી નિભાવવાની સાથે તેઓ સારો સંદેશ પહોંચે તેવી મુવીમાં ભવિષ્યમાં પણ કામ કરશે. કારણકે યુથ અત્યારે મુવી અને સોશિયલ મીડિયાના વિડીયો ઉપરથી વધુ પ્રેરણા લ્યે છે. એટલે આવા માધ્યમો થકી સારો મેસેજ આપવાનો અવસર મળે તો શું કામ ચૂકવો જોઈએ. અંતમાં તેઓએ કહ્યું કે જો ભવિષ્યમાં ફરી મુવીમાં કામ કરવાની તક મળે તો વર્દીની મર્યાદા જળવાય રહે તેવા જ રોલ કરીશ. ---------------------------------------------------------------------------PSI અરૂણ મિશ્રા અગાઉ પણ ગુજરાતી મુવી 'જગત'માં ચમક્યા હતાPSI અરૂણ મિશ્રાએ અગાઉ પણ ગુજરાતી મુવી 'જગત'માં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ મુવી ચાઈલ્ડ ટ્રાફિકિંગ ઉપર હતું. સમાજમાં સારો મેસેજ પહોંચાડે તેવી મુવી હતી. આ મુવીનું ઘણું શૂટિંગ કરાઈ એકેડમિમાં થયું હતું. આ શૂટિંગ વેળાએ રાજ્યના પોલીસ વડાએ પણ હાજરી આપી બધાને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. ---------------------------------------------------------------------------PSI અરૂણ મિશ્રા બોડી બિલ્ડર છે, યુથ ફિટનેસ વિશે જાગૃત બને તે માટે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવPSI અરૂણ મિશ્રા જણાવે છે કે તેઓને કોઈ વ્યસન નથી. તેઓ ફાસ્ટફૂડ તેમજ બહારના ભોજનથી દુર જ રહે છે. તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તેમના પ્રેરણાસ્ત્રોત છે. તેમને સંદેશ આપ્યો છે કે 'ફિટ રહેગા ઇન્ડિયા તો આગે બઢેગા ઇન્ડિયા'. વધુમાં તેઓએ ઉમેર્યું કે આપણું શરીર જ સૌથી મોટી મિલકત છે. તેની દરકાર લેવી જ જોઈએ. તેઓ દરરોજ સવારે 5 કિમિ રનિંગ કરે છે. દરરોજ અઢીથી ત્રણ કલાક તેઓ ફિટનેસ માટે આપે છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી યુથ પણ ફિટનેસને લઈને જાગૃત થાય તેવા પ્રયાસ કરે છે. આ ઉપરાંત તેઓને અગાઉ સેવાકાર્યો માટે સીએમ દ્વારા પ્રશંસાપત્ર પણ આપવામાં આવ્યો હતો. ---------------------------------------------------------------------------