ઘાંટીલાથી પગપાળા દ્વારકા જઈને 15 મેના રોજ દ્વારકાધિશ મંદિરે ધજારોહણનું આયોજનમાળિયા (મિયાણા) : આગામી તારીખ 5 મેના રોજ માળિયા (મિયાણા)ના ઘાંટીલા ગામે સમસ્ત ઠુંગા પરિવાર દ્વારા સુરાપુરા ગાંગાબાપાનો હવન તથા ધજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 15 મેના રોજ દ્વારકાધિશના મંદિરે પણ ધજારોહણ કરવામાં આવશે.આ ધાર્મિક પ્રસંગે 4 મે ને રવિવારના રોજ રાત્રે 8 કલાકે ભવ્ય રાસ ગરબા યોજાશે. જેમાં કલાકાર રાજદીપભાઈ બારોટ અને વનીતા બારોટ તથા ટીમ રાસ ગરબાની રમઝટ બોલાવશે. 5 મે ને સોમવારના રોજ સવારે 7 કલાકે હવન પૂજન થશે અને બપોરે 1-30 કલાકે બીડું હોમવામાં આવશે. સવારે 10 કલાકે શુભ મુહૂર્તમાં ગાંગાબાપાની ધજા ચડાવવામાં આવશે. સાથે જ 10 વાગ્યે સંતો-મહંતોના સામૈયા કરવામાં આવશે. 11 કલાકે ભોજન સમારંભ યોજાશે.6 મેના રોજ વહેલી સવારે 4 વાગ્યે પગપાળા સંઘ દ્વારકા જવા નીકળશે. 14 મેના રોજ સંઘ બપોરે 12 કલાકે દ્વારકા પહોંચશે. ત્યરબાદ 14 મેએ સાંજે 7 કલાકે ધ્વજા પૂજન થશે અને 15 મે ને ગુરુવારના રોજ સવારે 7-30 કલાકે વાજતે ગાજતે મંદિર તરફ પ્રસ્થાન કરીને સવારે 9-30 કલાકે દ્વારકાધિશ મંદિરે ધામધૂમથી ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ દ્વારકા સ્થિત કાનદાસ બાપુની જગ્યામાં ભોજન સમારંભ બપોરે 11-30 કલાકે યોજાશે. 14 મેના રોજ ભવ્ય લોક ડાયરો પણ યોજાશે. જેમાં સાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક રામદાસ ગોંડલીયા, સાહિત્યકાલ વાલાભા ગઢવી, લોકગાયક સેજલબેન ઠુંગા અને પાયલબેન ઠુંગા ઉપસ્થિત રહેશે. આ શુભ પ્રસંગે વિવિધ સંતો-મહંતો પણ પધારશે.