જામનગરથી કચ્છ હાજીપીરના મેળામાં જતા હતા ત્યારે બનેલી ઘટના, એક ઇજાગ્રસ્તમોરબી : જામનગરથી કચ્છમાં હાજીપીરની દરગાહે યોજાતા મેળામાં બાઈક લઈને જઈ રહેલા જામનગરના વતની યુવાનને આમરણ નજીક થાર ગાડીના ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરથી બાઈક લઈ કચ્છમા હાજીપીરના મેળામાં જઈ રહેલા મહમદહુસેન યાસીનભાઈ પંજા અને જુમાભાઈ નથુભાઈ કટારીયાને ગત તા.27ના રોજ મોરબી તાલુકાના આમરણ નજીક જીજે - 36 - એપી - 1764 નંબરની થાર ગાડીના ચાલકે પાછળથી ઠોકર મારી હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચતા મહમદહુસેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ થાર ગાડીનો ચાલક નાસી ગયો હોય મૃતકના ભાઈ મહમદરફીક યાસીનભાઈ પંજાએ થાર ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.