વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોએ અનેક મુદ્દાઓ ઉપર આપ્યું માર્ગદર્શન : આ યાત્રા 55 દિવસમાં 21 જિલ્લાઓમાં જાગૃતિ ફેલાવશે અને માર્ગદર્શન પૂરું પાડશેમોરબી : ગુજરાતની એમએસએમઇ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ધ્યેય સાથે શરૂ થયેલી ગુણવતા યાત્રા મોરબી પહોંચી હતી. જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાસભર નિષ્ણાતોને એકસાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો. આ પ્રસંગે વિવિધ એસોસિએશનના પ્રમુખો તેમજ અગ્રણીઓ અજય મારવાણીયા, અમિત કસુન્દ્રા, દિનુભાઈ વ્યાસ, હરેશ બોપલિયા, અનિલભાઇ સીતાપરા, મનીષ શાહ, જે.બી.ધામી, મોહિત સિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત નવા ક્ષેત્રોમાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની જવાબદારી વધુ છે, જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે.આ વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્થકેર, એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીઝ, એનએબીએલ એક્રેડિટેશન જેવા ક્ષેત્રોમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા સ્થાપિત ગુણવત્તા વ્યવસ્થા અને પ્રક્રિયાઓ અને તેના લાભો ક્યુસીઆઇના જોઇન્ટ ડિરેક્ટર મોહિત સિંહ દ્વારા સમજાવામાં આવ્યા હતા.ઝેડ ફેકલ્ટીના દર્શના જૈન દ્વારા એમએસએમઇ માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતાને વેગ આપવા માટે ક્યુસીઆઈ દ્વારા ઝેડઇડી અને લીન પ્રમાણપત્રો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)ના અધિકારીઓ વિશાલ ગોદારા અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના ગુજરાત સરકારના એફએસઓ અધિકારી એસ.જી.ભગિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ISO ધોરણો પર માર્ગદર્શન - ISO 9001, 14001, 50001, 45001 કયુસીઆઈના નિષ્ણાંત હિરેન વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા એમએસએમઇ માટે યોજનાઓ અને અપાતા લાભો વિશે જે. બી.ધામી દ્વારા વિગતો અપાઈ હતી. શ્રમ અને કલ્યાણ વિભાગ દ્વારા અપાતી તાલીમ અને એપ્રેન્ટિસશીપ અંગે ચર્ચા હિતેષ બોપલિયા દ્વારા અપાઈ હતી. ગુણવતા યાત્રા રાજ્યભરમાં આશરે 55 દિવસ સુધી તેની યાત્રા ચાલુ રાખશે, સુરત, વડોદરા, ગાંધીધામ, સિદ્ધપુર, વિદ્યાનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય 21 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રાથી રાજ્યભરના એમએસએમઇને ઝેડઇડી, આઇએસઓ અને લીન અને એનએબીએલ એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047 માટે સક્ષમ બનાવશે. તેમ યાદીમાં જણાવાયું છે.