મોરબી : મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. 22-4-2025 થી તા. 28-4-2025 સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ પૈકી 10 હોસ્પિટલમાં 92 હેલ્થકેર સ્ટાફને, કમર્શિયલ/મોલ પૈકી 1 કમર્શિયલ/મોલના 30 સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમજ ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે શાળાઓનું અને હોટેલમાં ફાયર સેફટી સર્ટિફિકેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ ફાયર NOC ન ધરાવતા શાળા અને હોટેલને નોટિસ આપવામાં આવી હતી. વધુમાં મોરબી જિલ્લામાં પાંચ જુદી જુદી જગ્યાએ આગના બનાવ અને એક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી. ફાયર વિભાગની સતર્કતા તપાસવા માટે મોરબીમાં સામા કાંઠે આવેલા ડી-માર્ટ મોલ ખાતે તા. 26-4-2025ના રોજ સવારે 10:30 કલાકે ફાયર વિભાગ અને ડી-માર્ટના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10:38 કલાકે આગ લાગવાની જાણ થતાં 10 મિનિટની અંદર ફાયરની ટીમ ઘટના સ્થળ પર હાજર થયા બાદ ફાયર ટીમ દ્વારા પાર્કિંગમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા આગ લાગે ત્યારે શુ પગલાં લેવા અને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખવી તેમજ મોલમાં લાગેલી ફાયર સિસ્ટમનો કઈ રીતે અસરકારક તરીકે ઉપયોગ કરવો તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.