મ્યુનિસિપલ કમિશનરે 11 ટીમોને દોડતી કરી : બે દિવસમાં 87 ખુલ્લી દેખાઈ, જેમાં અત્યાર સુધીમાં 55 કુંડીના ઢાંકણ બદલાવ્યા : 15 ખુલ્લા નાલા - વોકળામાં આડશ મુકવાનું શરૂ મોરબી : મોરબી શહેરના નવલખી ફાટક નજીક પાંચેક દિવસ પૂર્વે ખુલ્લા નાલામાં પડી જવાથી શ્રમિક પરિવારના છ વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નિપજવાની ઘટના બાદ મોરબી અપડેટે રિયાલિટી ચેક કરી મોરબીમાં અનેક જગ્યાએ મોતના કુવા જેવા ખુલ્લા ખાડાઓ,વોકળા અને ભૂગર્ભ ગટરની કુંડીઓ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવા મોં ફાડીને ઉભા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરતા જ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં તમામ ભૂગર્ભ ગટરની કુંડીઓ ચેક કરવા 11 ટિમો બનાવી તપાસ શરૂ કરાવતા બે દિવસમાં 87 ખુલ્લી કુંડી દેખાઈ જેમાં 55 કુંડીના ઢાંકણ બદલાવ્યા છે અને બાકીની કાર્યવાહી ચાલુ છે. સાથે જ શહેરમાં આવેલ 15 વોકળા જોખમી હોય આવા સ્થળોએ આડશ મુકવાની કાર્યવાહી પણ શરૂ કરાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના નવલખી ફાટક પાસે બાંધકામ સાઈટ ઉપર કામ કરી રહેલા શ્રમિક પરિવારનો છ વર્ષનો માસુમ બાળક ગત તા.26ના રોજ ગંદા પાણી અને કીચડ ભરેલા ખુલ્લા નાલામાં પડી જતા મોતને ભેટ્યો હતો. આ ઘટના બાદ મોરબીના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને કોંગ્રેસ સહિતના રાજકીય આગેવાનોએ આવી જોખમી કુંડી-નાલા ખુલ્લા રાખવાની બેદરકારી દાખવનાર સામે પગલાં ભરવા તેમજ મૃતક બાળકના પરિવારને આર્થિક સહાય માટે રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. ગંભીર ઘટના મામલે મોરબી અપડેટે રિયાલિટી ચેક કરી મોરબીના આવા જોખમી ખાડા, કુંડી અને નાલા અંગે વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ વર્ક આસિસ્ટન્ટ અને ઇજનેરોની 11 ટીમોને શહેરની તમામ ભૂગર્ભની કુંડી ચેક કરવા સર્વે કરાવી દોડતો કર્યો છે.દરમિયાન મહાનગર પાલિકાની ટીમોએ કરેલા ચેકિંગમાં બે દિવસમાં મોરબી શહેરમાં આવેલ કુલ 3749 કુંડીઓનું ચેકીંગ શરૂ કર્યું છે જેમાં બે દિવસ દરમિયાન 87 ખુલ્લી કુંડી હોવાનું સામે આવતા આ કુંડીઓ ઢાંકવાનું શરૂ કર્યું છે. સાથે જ મહાનગર પાલિકાની 5 ટીમ દ્વારા બે દિવસમાં 55 કુંડીઓના ઢાંકણ બદલાવ્યા હોવાનું ભૂગર્ભ વિભાગના અધિકારી પિયુષ મકવાણાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, માસુમ બાળકનો જે જગ્યાએ ભોગ લેવાયો હતો તે સ્થળ ઉપરાંત મોરબીના અન્ય 15 જોખમી વોકળા ફરતે પણ આડશ મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.________________________વાઘપરા-નટરાજ ફાટકના વોકળા સલામત બનાવ્યા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના આદેશ બાદ મોરબી મહાનગર પાલિકાની ટિમ છેલ્લા બે દિવસથી ઝુંબેશરૂપે ભૂગર્ભની ખુલ્લી કુંડી અને નાલા -વોકળા સલામત બનાવવા માટે કામે લાગી છે ત્યારે આ બે દિવસના સર્વેમાં અત્યાર સુધીમાં 15 જેટલા નાલા મહાનગરપાલિકાની ટીમના નજરે પડ્યા છે જેમાં અત્યાર સુધીમાં મોરબીના વાઘપરા વિસ્તારમાં જોખમી વોકળા પાસે આડશ મૂકી છે. સાથે જ નટરાજ ફાટક નજીક ઓવરબ્રિજના કામ માટે ખોદેલા ખાડાને સલામત બનાવી એલઈ કોલેજ પાસે આવેલ વોકળા ફરતે પણ આડશ મૂકી છે તેમજ નટરાજ ફાટક નજીક આવેલ એક ખુલ્લા વોંકળાને તેમજ નવલખી રોડ પર વાવડી રોળના જતે રસ્તા પરના નાલા ને પણ ફરતે આડસ મૂકી લોકો ઉપરનું જોખમ દૂર કરવા કામગીરી કરી હતી.________________________