ટ્રાફિક, પાણી, સફાઈ, ભુગર્ભ, દબાણ સહિતના પ્રશ્નો રજૂ કરાયાધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિલાલ અમૃતિયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યામોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે તારીખ 2 મેના રોજ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે અઢી મહિના બાદ સંકલન બેઠકનું આયોજન કરાયું હતું. આ સંકલન બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિલાલ અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક સહિતના પ્રશ્નો બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.આ અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આજની સંકલન બેઠકમાં ટ્રાફિક, ભુગર્ભ, પાણી અને દબાણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારમાંથી જે સુવિધાઓ લાવવાની છે તેની ચર્ચા કરાઈ હતી. ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે, ઓવરબ્રીજ બને અને રસ્તાઓ જોઈન્ટ થાય જેથી ટ્રાફિક ડાયવર્ટ કરી શકાય તેવી ચર્ચા કરવામાં આવી છે. આ વાતને કમિશનરે પણ ધ્યાને લીધી છે.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કહ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બની પછી આ બીજી સંકલન બેઠક યોજાઈ હતી. કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આ બેઠકમાં રસ્તા પહોળા કરવા, પાણીની વ્યવસ્થા કરવી, બ્રીજ બનાવવા, બગીચા બનાવવા, જુના બગીચાનું રિનોવેશન કરવું સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ તમામ બાબતે એકાદ મહિનામાં કામગીરી ચાલુ થઈ જશે.મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં કહ્યું કે, આજની સંકલન બેઠકમાં ઘણા બધા લોકઉપયોગી પ્રશ્નોની ચર્ચા થઈ. ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે કેવું પ્લાનિંગ કરવું તેની ચર્ચા થઈ હતી. સફાઈ અને આસપાસની ગ્રામ પંચાયતોને લગતાં પ્રશ્નો પણ રજૂ થયા હતા. તમામ પ્રશ્નોની નોંધ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી છે અને જવાબો પણ રજૂ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ તમામ પ્રશ્નોનો યોગ્ય પ્રત્યુત્તર મળે અને લોકોના પ્રશ્નો સમયસર હલ થાય તેવી સૂચના પણ આપવામાં આવી છે.